આજ રોજ સપ્ત સંગીતિમાં પદ્મ ડો. શુભા મુદગલજીના શાસ્ત્રીય કંઠય સંગીતનો લાહવો મળશે
ખાસ-ખબર સંવાદદાતા
સપ્ત સંગીતિ સંગીત સમારોહના પ્રથમ દિવસે તન્મય- ઈન -હાર્મની બેન્ડના કલાકારો તન્મય દેવચકેનું હાર્મોનિયમ વાદન, અભિષેક ભૂરૂકની ડ્રમ સંગત, આશય કુલકર્ણીનું તબલા વાદન, રાહુલ વાધવાણીની કીબોર્ડ સંગત, તન્મય પવારનું ગિટારવાદન, અમિત ગારગીલનું બાઝ ગીટાર અને તેમની સાથે વિરાજ ભાવસાર અને દેશણા ભાવસારના કંઠ્ય સંગીતએ શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના અદભુત સમન્વય રૂપ ફ્યુઝન મ્યુઝિકની પ્રસ્તુતિએ અલૌકિક માહોલ સર્જ્યો હતો. આજનો આ કાર્યક્રમ પ્રથમ દિવસના પેટ્રન (ઊઈઇંઉંઅઢ) એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના વિનોદભાઈ દોશી, દેવેનભાઈ દોશી અને પારસભાઈ દોશીના સહયોગથી અને શુભેચ્છક નયનાબેન મારું અને ડો. અવિનાશભાઈ મારુંના સહયોગથી શક્ય બન્યો હતો. દાતાઓ દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત તન્મયજી દેવચાકે તેમની પ્રસ્તુતિમાં રાગ પીલુ પર આધારિત બોલીવુડના ફિલ્મોના ગીતોમાં આર. ડી. બર્મનથી લઈને હાર્ડકોર મ્યુઝિક સુધીની સફર કરાવી હતી. ત્યારબાદ બેન્ડના જ કલાકાર અભિષેક ભરૂકે તેમના ડ્રમના તાલે ઓડીયન્સને તાલ આપવાનું કહી શ્રોતાઓને ઉત્સાહિત કરી દીધા હતા. તન્મયજી એ યાદ પિયા કિયા આયે’ બંદિશને પાશ્ચાત્ય સંસ્કૃતિના પોપ્યુલર સંગીત જાઝ મ્યુઝિકમાં પ્રસ્તુત કરી હતી અને જાઝનું સ્વરૂપ કેવું હોય તેની સમજૂતી આપી હતી. કાર્યક્રમના મધ્યભાગમાં તન્મય દેવચાકે અલગ અલગ ફોનની રીંગટોન ઉપર ટ્રેક બનાવીને નવીન સ્વરૂપે શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ તેમણે તાલ કહેરવા, દાદરા અને રૂપકના બોલ સાથે ઓડિયન્સને તાલ આપવા પ્રેરિત કર્યા હતા. ગઝલમાં અતિ પ્રચલિત ’આજ જાને કી જીદ ના કરો, ’ચુપકે ચુપકે રાત દિન, ગઝલો પર દરેક વાદ્યકારોની જુગલબંદી ભેળવી અને સુંદર મેડલી રજૂ કરી હતી. ત્યારબાદ ગ્રુપના જ કલાકારા દેશણા અને વિરાજ ભાવસાર દ્વારા રાગ તિલક કામોદની બંદિશ નીર ભરન કૈસે જાઉ ઉપર ધ્રુવા ટ્રેકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સભાના અંતભાગમાં શ્રોતાઓની ફરમાઈશ પર રાગ મિશ્ર માંડમાં રાજસ્થાની ગીત કેસરિયા બાલમાં બે અંતરા સાથે ખુબ સુંદર રીતે પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ ગુજરાતની ઓળખ સમાન ગરબાની ધૂન સાથે તન્મય ઇન હરમની બેન્ડની આખરી રજૂઆત પ્રસ્તુત કરી હતી જેમાં વિવિધ ગરબા જેવા કે રંગી પરોઢ આવી, મેળાનો મને થાક લાગે, તને જાતા જોઈ પનઘટની પાળે અને મોર બની થનગાટ કરે જેવા અતિ પ્રચલિત ગરબાઓને ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરી ઓડિયન્સનું સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું હતું. પ્રથમ દિવસની સભાના અંતે સૌ કોઈ રાષ્ટ્રગાન પૂર્ણ કરી અને સભાખંડની અદભુત, વિવિધ, વૈવિધ્યસભર અને કંઈક અલગ રચનાઓ અને પેશકશના સંસ્મરણો વાગોળતા છૂટા પડ્યા હતા.
આજ તા. 03-01-2024 બુધવારના રોજ સેશન -02માં ગ્વાલિયર ઘરાનાના ગાયિકા ડો. શુભા મુદગલ, પંડિત નિખિલ ઘોષજી પાસેથી તબલાની તાલિમ મેળવનાર ડો. અનીજ પ્રધાન(તબલા), રાજકોટ સ્થિત શોભાજીના શિષ્ય ડો. ધ્વનિ વછરાજાની, અમદાવાદ સ્થિત શુભાજીના સીનિયર શિષ્યા પૂજા વજીરાની (તાનપુરા) વિવિધ રાગ પ્રસ્તુત કરશે, તેમજ વિપુલ વોરા (બાંસુરી), યશ પંડયા (તબલા)માં સાથે સુર પુરાવશે.