દીકરીનાં લગ્ન પ્રસંગે નૂતન અભિગમ સાથે નવી રાહ ચિંધતા મૌલેશભાઈ ઉકાણી
લગ્નમાં ગણપતિ, વિષ્ણુ આદિ દેવી-દેવતાના પૂજન સાથે વૃક્ષારોપણ દ્વારા સમગ્ર પ્રકૃતિનું પૂજન
- Advertisement -
‘છોડમાં તો રણછોડ’ થકી લાડકડીના લગ્નમાં વૃક્ષો વાવી અનેક દેવી-દેવતાને આહ્વાન
લગ્નની કંકોત્રી નષ્ટ:પ્રાય છે, જ્યારે વૃક્ષારોપણની આ જીવંત કંકોત્રી દિવ્ય અને ભવ્ય વૃંદાવન બની અડીખમ રહેશે
મૌલેશભાઈ ઉકાણી પરિવાર શાહી લગ્નોત્સવની સાથોસાથ પર્યાવરણ જતનનું ઉમદા કાર્ય કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિદ્ધ બાન લેબ્સ- ઉકાણી પરિવારના જાણીતા ઉદ્યોગપતિ તથા દાતા મૌલેશભાઈ ઉકાણીને ત્યાં લાડકવાયી દીકરી રાધાના લગ્નનો શુભ અવસર છે. દરેક પરિવારમાં લાડકડી દીકરીના લગ્નનો પ્રસંગ એ એક લ્હાવો છે. દરેક પિતા તેની વ્હાલસોયી દીકરીના લગ્નપ્રસંગને યાદગાર બનાવવા ઈચ્છતા હોય છે. ઉકાણી પરિવારમાં તથા સ્નેહીજનોમાં દીકરી રાધાના લગ્નને લઈને અનેરો ઉત્સાહ અને ઉમંગ છે આવા યાદગાર પ્રસંગે કંઈક નવું ન લાવે તો શ્રી મૌલેશભાઈ શાના?‘આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્ર્વત:’ અર્થાત્ સર્વ દિશામાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ, એ વેદવાણી મુજબ મૌલેશભાઈને હંમેશા નવા વિચારો સ્ફૂરતા રહે છે. વિશ્ર્વ આજે પર્યાવરણની સમસ્યાઓ સામે ઝઝૂમે છે તેવા વખતે પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ઉકાણી પરિવારની આત્મજા રાધાના લગ્નપ્રસંગે લગ્નમાં પધારનાર આશરે 5000થી વધુ તમામ મહેમાનોના નામે એક વૃક્ષ વાવવામાં આવશે. ઉકાણી પરિવાર માત્ર વૃક્ષારોપણ કરી સંતોષ માની લેનાર નથી, પ્રત્યેક વૃક્ષનું વાવેતર, માવજત, જતન કરી ઉછેરવામાં આવશે એટલું જ નહીં દરેક મહેમાનને તેમના નામે વાવવામાં આવેલ વૃક્ષના ફોટા સાથે દર ત્રણ મહિને પ્રગતિ અહેવાલ પણ મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઔદ્યોગિક ફ્લક પર બાનલેબ તેમજ ‘સેસા’ પ્રોડકટ થકી વિશિષ્ટ ઓળખ અપાવનાર જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીનું નામ કોઈ ઓળખાણને મહોતાજ નથી. ઉકાણી પરિવારને આંગણે મૌલેશભાઈની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ નિમિત્તે માન મોંઘા મહેમાનો, સગા-સંબંધીઓ, રાજકીય-સામાજિક આગેવાનોને આમંત્રણ પાઠવવા કંકોત્રી મોકલવામાં આવી રહી છે. લાડકી દીકરીને ખરા અર્થમાં તુલસીનો ક્યારો માનતા મૌલેશભાઈએ આ લગ્ન કંકોત્રીની પરંપરાને નવું રૂપ આપી સમાજને નવી રાહ ચિંધી છે.
સામાન્ય સંજોગોમાં લગ્નોત્સવમાં શાનદાર રજવાડી લગ્ન કંકોત્રી સાથે મહેમાનોને વિવિધ મીઠાઈના બોક્સ શુભેચ્છા સાથે આપવામાં આવતા હોય છે. બાનલેબ ઉકાણી પરિવારના આંગણે લગ્નની શરણાઈઓ વાગી રહી છે ત્યારે હંમેશા સામાજિક ઉત્થાનની પ્રેરણા આપતા સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે તત્પર રહેતા મૌલેશભાઈ ઉકાણીએ દીકરીના લગ્નને સાચા અર્થમાં યાદગાર બનાવવા ‘છોડમાં રણછોડ’ના સાક્ષાત્કાર થકી આશરે 4000 જેટલા વૃક્ષો વાવી તેના ઉછેર કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારી છે. આ વૃક્ષના ઉછેર કરી તેના પર મૂકેલા ટ્રી-ગાર્ડ (પિંજરા) પર જે તે મહેમાનોનું નામ લખવામાં આવશે. બાનલેબના આ વૃક્ષારોપણ અભિયાનમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમનો સહયોગ પ્રાપ્ત થશે. ઉકાણી પરિવારના આંગણે લગ્નોત્સવમાં માત્ર ને માત્ર ઝાકમઝોળ થકી આકર્ષણ મેળવવાને બદલે સમાજને નવી પ્રેરણા આપી છે. આવનારા સમયમાં વૃક્ષારોપણની આ પ્રથા સમાજ અને પર્યાવરણ માટે લાભકારી બની રહેશે. સ્વસ્થ સમાજના નિર્માણની ભાવના સાથે બાનલેબ પરિવાર દ્વારા વૃક્ષારોપણનું આ અભિયાન રાષ્ટ્ર માટે હિતકર્તા સાબિત થશે. માનનીય પ્રધાનમંત્રીએ ‘એક પેડ મા કે નામ’ યોજનાનું આહવાન કર્યું છે ત્યારે ઉકાણી પરિવાર તથા બાનલેબે શરૂ કરેલ આ નવી પરંપરા ખૂબ જ સરાહનીય અને અનુકરણીય છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પરિવારમાં લગ્નપ્રસંગે વૃક્ષોનું વાવેતર તથા જતન કરી વૃક્ષો ઉછેરવામાં આવે તો પર્યાવરણ સુધારવામાં અમૂલ્ય ફાળો આપી શકાય છે. સમાજની વિવિધ સંસ્થાઓ, ધર્મસ્થાનો અને અગ્રણી પરિવારો મૌલેશભાઈ દ્વારા શરૂ કરાયેલ આ નૂતન અભિગમને ઉમંગ, ઉત્સાહ સાથે ઝુંબેશ સ્વરૂપે આગળ વધારે તે ઈચ્છનીય છે. સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે દિશામાં સતત પ્રયત્નશીલ મૌલેશભાઈ ઉકાણી દ્વારા પર્યાવરણ બચાવોના ભાગરૂપે આ પહેલ સમાજ માટે સકારાત્મક દૃષ્ટાંત પૂરું પાડશે. પોતાના દીકરા-દીકરીના લગ્નોત્સવની યાદગીરીરૂપે વૃક્ષો વાવવાની આ પ્રથા પર્યાવરણ બચાવવા ગ્લોબલ વોર્મિંગથી બચવાની એક ચળવળ બની રહેશે.
સમગ્ર ગુજરાતમાં ગો ગ્રીન પ્રોજેકટ થકી સરકાર પણ વધુ ને વધુ વૃક્ષો વાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ઉકાણી પરિવારની આ પહેલ સરાહનીય અને અનુકરણીય સાબિત થશે. કાળીયા ઠાકર દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા રાખતા મૌલેશભાઈ ઉકાણીએ પોતાની લાડકી દીકરી રાધાના લગ્નોત્સવમાં આ વૃક્ષારોપણની અનોખી પહેલ પર વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે આપણી હિન્દુ વૈદિક સંસ્કૃતિમાં વૃક્ષોનું પૂજનીય સ્થાન છે. ‘છોડમાં રણછોડ’ તેમજ પીપળા, તુલસી જેવા વૃક્ષોમાં અનેક દેવી-દેવતાઓનો વાસ મનાય છે. માનવમાત્રની જરૂરિયાતોને પોષતું ‘કલ્પવૃક્ષ’ની કલ્પના આપણા હિન્દુ ધર્મમાં પ્રવર્તે છે. આપણે લગ્નવિધિ દરમિયાન ગણપતિ, વિષ્ણુ આદિ ભગવાનની પૂજનવિધિ કરાય છે ત્યારે આ વૃક્ષારોપણ થકી સંસારમાં વ્યાપ્ત સચરાચર પ્રકૃતિનું પૂજન કરવામાં આવશે. દીકરીના લગ્નમાં આપેલ મોંઘામાં મોંઘી કંકોત્રી કે શુભેચ્છારૂપે અપાતી ભેટ-સોગાદો અંતે નષ્ટ:પ્રાય છે. અમુક સમય બાદ તે માત્ર વસ્તુ બની રહે છે, જ્યારે લગ્નોત્સવ દરમિયાન આમંત્રિત મહેમાનોના નામ પર કરેલ વૃક્ષારોપણ સમયાંતરે દિવ્ય અને ભવ્ય વૃંદાવન બની લહેરાશે. આ હરિયાળુ વૃંદાવન લગ્નના યજમાન અને લગ્નના આમંત્રિત મહેમાનની યાદગીરીરૂપે અનોખું સંભારણું બની રહેશે.