દુષ્કર્મના આરોપી ગોકુલ સગપરીયાએ ક્વૉશિંગ પિટિશનને ફાયદો કરાવવા સંજય પંડિત અને ડોલી સાથે મળીને પીડિતાના ચારિત્ર્યને હલકું ચિતરવા બોગસ સહીથી કરેલી બોગસ અરજીનું પ્રકરણ
અરજદાર આરોપીઓએ સહઆરોપીઓ સાથે મળી હાઈકોર્ટને મીસ લીડ કરવા કોશિશ કરી છે: સેશન્સ કોર્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના એન્જિનિયરીંગ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ગોકુલ સગપરીયાએ પોતાની સામે નોંધાયેલા દુષ્કર્મના કેસની ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં દીનાબેન સોલંકી નામની મહિલાની બનાવટી સહીવાળી અરજી સોગંદનામા સાથે રજૂ કરી હતી. હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાના આ મામલે પણ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ગોકુલ સગપરીયા સાથે વિવાદાસ્પદ સંજય પંડીત તથા ડોલી બીરવાણના પણ સહઆરોપી તરીકે નામ હોવાથી સંજય પંડીત અને ડોલી બીરવાણે સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી રાજકોટના એડીશનલ સેશન્સ જજ બી. બી. જાદવએ નામંજૂર કરી છે. આગોતરા જામીન અરજી રદ થતાં આરોપીઓની ધરપકડનો માર્ગ મોકળો થયો છે.
કેસની હકીકત જોઈએ તો અગાઉ દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ ગોકુલ બાબુભાઈ સગપરીયા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પીડિતાએ વકીલ તરીકે સંજય પંડીતને રોક્યા હતા. બાદમાં સંજય પંડીત સાથે કોઈ મુદ્દે અણબનાવ થતાં પીડિતાએ વકીલ તરીકે સંજય પંડીતને હટાવી દીધા હતા. આથી આરોપીઓએ ફરિયાદી પીડિતા તથા દીનાબેનના પતિ વચ્ચેના ગેરકાયદેસરના ખોટા સંબંધો બતાવી પીડિતાના ચારિત્ર્યને નુકસાન થાય તે ઈરાદાથી તેમજ દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલા ગોકુલ સગપરીયાએ પોતાની સામેની દુષ્કર્મની ફરીયાદ રદ કરવા માટે કરેલી પિટિશનને ફાયદો થાય એવા બદહેતુથી દિનાબેન સોલંકીનો સ્વાંગ રચી તેણીના નામની ખોટી અરજી ઊભી કરી હતી તેમજ એ અરજીમાં દિનાબેનની ખોટી, બનાવટી સહી કરી તે બનાવટી હોવાનું જાણતા હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે ખોટું સોગંદનામુ કરી પુરાવા તરીકે ખોટું કથન તેમજ ખોટો એકરાર કરી ખોટો પુરાવો આપી ખોટા નામે ઠગાઈ કરી સમાન ઈરાદો પાર પાડવાના કાવત્રાને અંજામ આપી એકબીજાને મદદગારી કર્યાની પીડિતાએ 18 ઓગસ્ટ 2022ના રોજ અલગ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપી તરીકે ડોલી બીરવાણ, સંજય પંડીત અને ગોકુલ સગપરીયાના નામ લખાવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ફરિયાદની તપાસ સંભાળીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ઉપરોક્ત ફરિયાદ અન્વયે સંજય પંડીત તથા ડોલી બીરવાણે પોતાની સંભવિત ધરપકડ સામે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજી મૂળ ફરિયાદી તરફે વિગતવાર વાંધાઓ તથા લેખિત રજૂઆતો અને સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે હાલના ફરિયાદીએ અગાઉ ગોકુલ સગપરીયા સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં કરેલ પિટિશનમાં તો જ ફાયદો થાય કે જ્યારે ફરિયાદીનું કેરેકટર ખરાબ ચિતરવામાં આવે, તેમજ અને બળાત્કારના કેસમાં ફરિયાદીએ તેના વકીલ તરીકે સંજય પંડીતને રાખ્યા પછી ફરિયાદી સંજય પંડીતના તાબે ન થઈ કેસની ફાઈલ પરત લઈ લેતાં સંજય પંડીતે તથા ગોકુલ સગપરીયાએ બંનેએ બદલો લેવા ખોટી અરજીનું કાવતરૂં રચ્યું હતું. કાવતરાના ભાગરૂપે ડોલી બીરવાણ કે જે સંજય પંડીતની કર્મચારી હતી તેના માધ્યમથી દીનાબેનની સહી લેવા કોશિશ કરી હતી, પરંતુ તેમાં સફળતા નહીં મળતાં ફરિયાદીના કેરેકટરને ખરાબ ચિતરવા માટે પીડિતાના ચારિત્ર્ય પર આક્ષેપ કરતી અરજીમાં દિનાબેનની બનાવટી સહી કરીને એ અરજી પોલીસમાં ઈનવર્ડ કરાવી હતી. બાદમાં એ બોગસ અરજીના આધારે ગોકુલ સગપરીયાએ સોગંદનામુ કરી હાઈકોર્ટમાં રજૂ કરી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા કોશિશ કરી હોવાથી તેમજ આરોપીઓ વેલ એજ્યુકેટેડ હોય તે લોકો જ્યુડીશ્યલ પ્રોસીડીંગમાં ફાયદો લેવા ફોર્જરી આચરે તેને હળવાશથી લઈ શકાય નહીં. એફ.આઈ.આર.માં પ્રથમથી જ નામ તથા રોલ હોય, કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન વગર તપાસના મૂળ સુધી પહોંચી શકાશે નહીં વગેરે લંબાણપૂર્વકની રજૂઆતો કરી બંને આગોતરા જામીન અરજી નામંજૂર કરવા અરજ કરી હતી. બંને પક્ષોની તમામ રજૂઆતો તેમજ એફ.આઈ.આર.ના ક્ધટેઈન્સ લો લેતાં તેમજ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલું સોગંદનામુ, પોલીસ પેપર્સ તથા રજૂ થયેલ રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો ધ્યાને લેતાં અરજદાર આરોપીઓનો ગુન્હો આચરવામાં ગંભીર રોલ હોય, પ્રિપ્લાનેડ માઈન્ડ સેટ કરી કાવતરુ રચી દિનાબેન સોલંકીનો સ્વાંગ રચી બનાવટી સહી કરી હાઈકોર્ટના એફ.આઈ.આર. ક્વોશીંગવાળા પ્રોસીડીંગમાં લાભ લેવા ફરિયાદી વિરૂદ્ધના ખોટા આક્ષેપો દિનાબેનના પતિ સાથે જોડીને કરવામાં આવ્યા હોય, હાલની એફ.આઈ.આર. રદ કરાવવા સંજય પંડીત દ્વારા હાઈકોર્ટમાં કરેલી કાર્યવાહીની હકીકતો આગોતરા જામીન અરજીના કામે સપ્રેશ કરવામાં આવી હોય, દિનાબેનના નામની પોલીસને આપેલી એપ્લીકેશનનો ઉપયોગ હાઈકોર્ટ સમક્ષના ક્વોશીંગ પ્રોસીડીંગમાં થયો હોય જે રેકર્ડ જોતાં અરજદારોએ અન્ય આરોપીઓ સાથે કોલ્યુઝન કરી કાવત્રુ રચી લાભ લેવા પ્રયાસ કર્યો હોય, તેમજ સંજય પંડીતે અરજીના કામે આગોતરા લીધા હોવાથી તેનો લાભ માગ્યો છે પરંતુ ડીટેઈલમાં એફ.આઈ.આર.ની હકીકતો જોતાં તેનો લાભ મળી શકે તેમ નથી. અરજદારો સહિતના આરોપીઓએ હાઈકોર્ટને મીસ લીડ કરવા પ્રયાસ કર્યો છે, ફરિયાદી અને દિનાબેનના પતિ વચ્ચે ઈલીસીટ સંબંધોવાળી અરજી ઉભી કરી એકબીજા આરોપીઓએ કોલ્યુઝન કરી હાઈકોર્ટમાં ચાલતી ક્વોશીંગ પિટિશનમાં લાભ લેવા માટે પ્રાઈમાડેશી ગુન્હો આચર્યાનું જણાય છે અને પ્રથમ દર્શનીય ઈનવોલમેન્ટ સ્થાપીત થાય છે. આમ અરજદારો પ્રથમથી જ કાવત્રા સંબંધ તથા મોડસ ઓપરેન્ડી સંબંધે જાણકાર હતા, તપાસ પ્રગતિમાં છે, પોલીસ પેપર્સ જોતાં પ્રથમ દર્શનીય રોલ છે જેથી અરજદારોની તરફેણમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ થઈ શકે તેમ ન હોવાનું માની બંને અરજદારોએ અલગ-અલગ કરેલી બંને આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. ઉપરોક્ત કેસમાં સરકાર તરફે પરાગ એમ. શાહ તથા ડોલી બીરવાણીની આગોતરા જામીન અરજીમાં મૂળ ફરિયાદી પીડિતા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, કરણ ડાભી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, કિશન માંડલીયા, મીહીર દાવડા રોકાયા હતા.