ટૂંક સમયમાં નવીનીકરણનું ખાતમુહૂર્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં જામનગર રોડ પર આવેલા ઐતિહાસિક એવો સાંઢીયાપુલ જર્જરિત હોવાનું સામે આવ્યા બાદ મનપા દ્વારા બ્રિજનાં નવીનીકરણની કામગીરી શરૂ કરાઇ હતી. અનેક અંતરાયો બાદ અંતે આ કામગીરી ટેન્ડરપ્રક્રિયા એ પહોંચી છે અને આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વર્તમાન પુલ તોડી નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે ભાવો મંગાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં ટૂંક સમયમાં સાંઢીયા પુલનાં નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. પુલનું નવીનીકરણ થતાં હજારો વાહન ચાલકોને ફાયદો થશે. મેયર નયના પેઢડીયાનાં જણાવ્યું હતું કે, શહેરનાં 50 વર્ષ જુના સાંઢીયાપુલનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, ત્યાર પછી અંદાજે ત્રણ વર્ષમાં નવો ફોરલેન બ્રિજ તૈયાર થતા અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે. તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મહદઅંશે મુક્તિ મળશે. હાલ આ નવીનીકરણ શરૂ કરવા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, એઇમ્સ, નવી કોર્ટ ઉપરાંત ખંઢેરી સ્ટેડિયમ સહિતના સ્થળોએ જવા માટે આ નવો ફોરલેન બ્રિજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ટેન્ડર ખુલે અને એજન્સી ભાવ આપે એટલે તરત ખાતમુહૂર્ત કરી આ ફોરલેન બ્રિજનાં નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અંદાજે શરૂ. 62 કરોડના ખર્ચે ઉભા થનાર આ બ્રિજમાં 22 પિલર લંબાઈ 602 મીટર અને પહોળાઈ 16.40 મીટર જેટલી રહેશે. ઉલ્લેખનીય છે કે, મોરબી રોડની ઝુલતા પુલ દુર્ઘટના બાદ રાજ્યનાં તમામ પુલનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સાંઢીયો પુલ જર્જરિત હોવાનું સામે આવતા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી, ત્યારબાદ રેલવેની મંજુરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવા સહિતની કામગીરીમાં ઘણો સમય વીતી ગયો હતો. જોકે આ તમામ કામગીરી પૂર્ણ થતાં હવે મનપા દ્વારા ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જૂનો પુલ તોડી નવો ફોરલેન બ્રીજ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.