એપલ 2026માં આઇફોન ફોલ્ડ લોન્ચ કરી રહ્યું હોવાની ચર્ચા છે. તેમને ટક્કર આપવા માટે સેમસંગે પણ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. સેમસંગ દ્વારા જે ફોલ્ડ ફોન પર કામ કરવામાં આવી રહ્યું છે એને કોડનેમ ‘વાઇડ-ફોલ્ડ’ નામ આપવામાં આવ્યું છે.
માર્કેટમાં હાલમાં જેટલા પણ ફોન છે એમાંથી આ ફોન ખૂબ જ વાઇડ અને હાઇટમાં નાનો હશે. સેમસંગ દ્વારા આ મોડલને જૂન બાદ ગમે ત્યારે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોનની આસપાસ જ એને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા છે. બની શકે સેમસંગ વાઇડ-ફોલ્ડની સાથે વાઇડ-ફ્લિપ પણ રજૂ કરી શકે.
- Advertisement -
શું છે વાઇડ-ફોલ્ડ?
સેમસંગ દ્વારા જે ફોલ્ડેબલ ફોન પર કામ કરવામાં આવી રહ્યું છે એને વાઇડ-ફોલ્ડ નામ આપવામાં આવ્યું છે કારણ કે એની ડિસ્પ્લે વાઇડ છે. ફોનની અંદરની સ્ક્રીન 7.6 ઇંચની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ જ એની કવર સ્ક્રીન 5.4 ઇંચની હશે. આ મોબાઇલની ડિઝાઇન પાસપોર્ટ જેવી હશે તેમ જ એસ્પેક્ટ રેશિયો 4:3નો હશે. સેમસંગના અત્યારના જેટલા ફોલ્ડ મોડલ છે એમાં તે પહોળાઈમાં વધુ અને ઊંચાઈમાં નાનો હશે. સેમસંગનું માનવું છે કે આ વાઇડ ડિઝાઇન યુઝર્સને વેબ બ્રાઉઝિંગ માટે અને ફોટો તેમજ વીડિયો જેવા અનુભવને એક અલગ જ ઊંચાઈએ લઈ જશે.
એપ ડેવલપર્સને થશે ફાયદો
- Advertisement -
સેમસંગ દ્વારા જે ડિવાઇસ પર કામ કરવામાં આવી રહ્યું છે એને એસ્પેક્ટ રેશિયો 4:3નો છે. આથી ડેવલપર્સને એપ્લિકેશન બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. ફોલ્ડેબલ ડિવાઇસ માટે એપ્લિકેશન બનાવવી ડેવલપર્સ માટે માથાનો દુખાવો છે કારણ કે તેમણે બે સ્ક્રીનને ધ્યાનમાં રાખવાની હોય છે. જોકે રેશિયો બદલાઈ જતા હવે તેમને એપ્લિકેશન બનાવવામાં સરળતા રહેશે. અત્યાર સુધીના ફોલ્ડેબલ ફોનમાં અલગ-અલગ ડિઝાઇન હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. જોકે સેમસંગના આ રેશિયો સિવાય અન્ય કોઈ માહિતી જાણવા નથી મળી.




