સોનિયા ટ્રેડર્સમાંથી સૂર્યમુખી તેલનો રૂા. 9,83,218નો હલકી ગુણવત્તાનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
ફૂડ વિભાગ દ્વારા જૂના માર્કેટિંગ યાર્ડ શોપ નં. જી-6, આરટીઓ પાસે રાજકોટ મુકામે આવેલ સોનિયા ટ્રેડર્સ નામની પેઢીમાંથી સનફ્લાવર ઓઈલનો નમૂનો લેવામાં આવેલો, અને ત્યારબાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. જે પેક્ડ ટીનનો બાકી 5923 કિ.ગ્રા. (કિંમત 9,83,218)નો જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલો છે જે અંગેનો કેસ ચાલી જતાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર નિવાસી અધિક કલેકટર દ્વારા રૂા. 50,000નો દંડનો હુકમ કરવામાં આવેલો છે.
- Advertisement -
વધુમાં ફૂડ વિભાગ દ્વારા મારુતિ ઈન્ડ. એરિયા ચારભૂજા માર્બલવાળી શેરી, ગોંડલ રોડ જકાતનાકા પાસે રાજકોટ મુકામે આવેલ પ્યોર ફૂડ્સ નામની પેઢીમાંથી ઈમ્યુસ્ટર હર્બલ જ્યૂસનો નમૂનો લેવામાં આવેલ હતો જે રિપોર્ટમાં નમૂનો સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ તેમજ તે પેઢીમાંથી વુમન હેલ્થ એન્ડ ન્યુટ્રીશન ડ્રીંકનો લીધેલો નમૂનો પૃથ્થકરણ રિપોર્ટમાં મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયો છે. (કિંમત 33,550) જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલો છે જે અંગેનો કેસ ચાલી જતાં કુલ રૂા. 30,000નો દંડનો હુકમ કરવામાં આવેલો છે. સાથે જ 50 ફૂટ રોડ કુવાડવા રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલી જેમાં કુલ 18 પેઢીની ચકાસણી કરવામાં આવેલી છે. ચકાસણી દરમિયાન વેચાણ થતાં દૂધ, ઘી, ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, પ્રિપેર્ડ ફૂડ, મસાલા વગેરેના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
પ્લાસ્ટિક ચેકીંગ ઝુંબેશ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર દ્વારા તા. 1-07થી સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ તેમજ 75 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની મુખ્ય બજારોમાં પ્લાસ્ટિકના હોલસેલર, રિટેઈલરો તેમજ તેનો ઉપયોગ કરતાં વેપારીક એકમો, દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 9 કિલો પ્લાસ્ટિકના કપ, 8.66 કિલો પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ 8.5 કિલો 75 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી છે.