મીઠાંના ભાવમાં 40%નો ઘટાડો નોંધાતા વેપારીઓ-અગરિયાઓની હાલત કફોડી
ખારાઘોડા, ઝીંઝુવાડા, કુડા, હળવદ રણમાં દર વર્ષે 35 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ગુજરાતના ગૌરવ સમા મીઠા ઉદ્યોગના ભાવમાં ગત વર્ષ કરતા 40 ટકાનો ઘટાડો નોંધાતા વેપારીઓની સાથે અગરિયાઓની હાલત કફોડી બની છે. આથી દેશનું 82 ટકા મીઠું પકવતો એક સમયનો ગુજરાતનો ગૌરવ સમો મીઠા ઉદ્યોગ હાલ મરણ પથારીએ છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયના લલાટે આજેય સર્વે નંબર શૂન્ય છે. દેશના કુલ ઉત્પાદનનું 82 ટકા મીઠું એકમાત્ર ગુજરાતમા પાકે છે. એમાંથી 35 ટકા મીઠું તો એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પાકે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, ઝીંઝુવાડા, કુડા અને હળવદ રણમાં દર વર્ષે અંદાજે 35 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. અને કચ્છના નાના રણમાં અંદાજે 4,000થી 5,000 અગરીયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ તમામ અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે દર વર્ષે ઓક્ટોબરથી મે માસ એમ વર્ષના 8 મહિના પોતાના બાવડાના જોરે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવી લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવે છે.
મીઠા ઉદ્યોગના ભાવમાં ગત વર્ષ કરતા 40 %નો ઘટાડો નોંધાતા વેપારીઓની સાથે અગરિયાઓની હાલત કફોડી બની છે. હાલ રણમાંથી મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે એક સમયનો ગુજરાતનો ગૌરવ સમો મીઠા ઉદ્યોગ હાલ મરણ પથારીએ છે.
ગત વર્ષ કરતા આ વર્ષે મીઠામાં કારમી મંદી અને અનિશ્ચિતતા વચ્ચે અનેક અગરિયાઓ વેપારીઓ સાથે આગોતરા સોદા કર્યા વગર જાતે પોતાના બાવડાના જોરે મીઠું પકવવા રણમાં પહોંચ્યા હતા.