17 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી રાજ્યમાં જાગૃતિ અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
કેન્દ્ર સરકારના આહવાન પર દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ 17 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર 2025 દરમિયાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ દેશ રોશન’ના સંદેશાને સાકાર કરવા રાજ્ય સરકારે અનેક નવતર પહેલો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મહિલા-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણ નિવારવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને સામાજિક સંસ્થાઓના સહકારથી અભિયાન આગળ ધપાવવામાં આવ્યું છે.
- Advertisement -
છ મુખ્ય થીમ પર કાર્યક્રમો
સ્થૂળતા અંગે જાગૃતિ : ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘટાડવા પર ભાર.
પ્રારંભિક બાળ સંભાળ
અને શિક્ષણ (પોષણ ભી પઢાઈ ભી) : આંગણવાડી કેન્દ્રોમાં પૌષ્ટિક આહાર સાથે રમત આધારિત શિક્ષણ.
સંયુક્ત પગલાં અને ડિજિટલાઇઝેશન : પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા
ડેટા મોનિટરિંગ.
નવજાત શિશુ ખોરાક પ્રથાઓ : જન્મથી છ મહિના સુધી માત્ર માતાનું દૂધ, ત્યારબાદ પૂરક આહાર.
પુરુષોની સહભાગીતા : બાળકોના પોષણ અને સંભાળમાં પિતાની સક્રિય ભૂમિકા.
વોકલ ફોર લોકલ : સ્થાનિક ખાદ્ય પદાર્થો અને પરંપરાગત ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જણાવાયું છે કે, નાગરિકોના સહયોગથી ‘સ્વસ્થ અને સુપોષિત ગુજરાત’ બનાવવામાં પોષણ અભિયાન મહત્વનું યોગદાન આપી રહ્યું છે.



