ઋષિ પંચમીના પાવન દિવસે લક્ષ્મણરાવ ઇનામદારના સંસ્કારોને પૂણ્યાંજલિ અર્પણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરની સહકાર ભારતી દ્વારા સહકારિતા વર્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100મા વર્ષની ઉજવણી અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઋષિ પંચમીના પાવન દિવસે સહકાર ભારતીના સ્થાપક અને સંઘપ્રચારક વકીલસાહેબ લક્ષ્મણરાવ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે વિશાળ કાર્યક્રમ યોજાશે.
વકીલસાહેબે આપેલા સંસ્કારોના સ્મરણ સાથે સહકારિતા – વકીલસાહેબની દ્રષ્ટિએ વિષય પર બૌદ્ધિક વક્તા તરીકે શ્રી દીપકભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ રાજકોટના અક્ષર માર્ગ, કાલાવડ રોડ પર આવેલા માધવ શરાફી મંડળી ખાતે તા. 28 ઓગસ્ટે, ગુરૂવારના રોજ સાંજે 5 વાગ્યે યોજાશે.
- Advertisement -
સહકાર ભારતીના અધ્યક્ષ ડો. એન.ડી. શીલુ અને મહામંત્રી જયેશભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, વકીલસાહેબે આપેલા સંસ્કારોના આધારે વિના સહકાર નહિ ઉદ્ધાર સાથે વિના સંસ્કાર નહિ સહકારના મંત્રને જીવનમાં ઉતારતા સહકાર ભારતી આજે સમગ્ર ભારતમાં સહકારી ક્ષેત્રે શ્રેષ્ઠ સંગઠન તરીકે ઉભરી આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લક્ષ્મણરાવ ઇનામદારને શ્રીકૃષ્ણ જેવા માર્ગદર્શક અને મિત્ર તરીકે માન આપ્યો હતો.
કાર્યક્રમમાં રાજકોટની અર્બન કો-ઓપરેટિવ બેંકો, ક્રેડિટ સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ, દૂધ મંડળીઓ તેમજ સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે. સહકાર ભારતી દ્વારા આ અવસરે નવા સભ્યો જોડવા, આજીવન સભ્યપદ, સહકારી કાર્યકર્તાઓ અને વિશિષ્ટ મંડળીઓ માટે વિવિધ ઝોનવાઇઝ કાર્યક્રમો યોજાશે.
અધ્યક્ષ અને મહામંત્રીએ વધુમાં જણાવ્યું કે પંચપ્રાણ – પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય દ્વારા શ્રેષ્ઠ સમાજ નિર્માણ તરફ જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ સહકાર ભારતી લઈ રહી છે. આ સાથે જ આવનાર 10-11 સપ્ટેમ્બરે જયપુર ખાતે યોજાનાર અર્બન કો-ઓપરેટિવ બેંકના રાષ્ટ્રીય અધિવેશનમાં રાજકોટના ચેરમેન અને ડિરેક્ટરો ભાગ લેશે.