રાજકોટ અગ્નિકાંડની તપાસનો સંકેલો કરી દેવાયો?!
સિનિયર અધિકારીઓની જવાબદારી ન બનતી હોવાનું તપાસ સમિતિઓનું તારણ
- Advertisement -
હવે હાઈકોર્ટ ‘કાન ખેંચે’ તો જુદી વાત છે અન્યથા કાર્યવાહી સાગઠીયા, ફાયર ઑફિસર જેવા અત્યાર સુધીમાં પકડાયેલા અધિકારીઓમાં જ પુરી થઈ જવાના સંકેત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ-ત્રણ તપાસ સમીતીઓનું ગઠન કરવામાં આવ્યું હોવા છતાં ઉચ્ચ અધિકારીઓને કોઈ આંચ આવી નથી અને કોઈનો વાળ પણ વાંકો થવાનો ન હોય તેવા સંકેત છે. રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ સુધી જ તપાસ કેન્દ્રીત કરીને બાકીના આઈએએસ-આઈપીએસ જેવા સીનીયર અધિકારીઓ અને નેતાઓને કલીનચીટ આપી દેવાનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાના નિર્દેશ છે. રાજકોટના અગ્નિકાંડની તપાસ માટે સરકાર દ્વારા ત્રણ કમીટીઓ રચવામાં આવી હતી. એક લોકલ સીટ, બીજી ગાંધીનગરથી રચાયેલી સીટ અને ત્રીજી સત્યશોધક સમીતી એમ ત્રણેય કમીટીઓએ સરકારને તપાસ રિપોર્ટ સોંપી દીધા છે. એમ કહેવાય છે કે ત્રણમાંથી એકપણ કમીટીએ દુર્ઘટના પાછળ ઉચ્ચ અધિકારીઓની જવાબદારી બનતી હોવાનું કે તેઓ દોષીત સાબીત થતા હોવાનું તારણ દર્શાવ્યું નથી તેના આધારે આઈએએસ-આઈપીએસ જેવા સીનીયર અમલદારો અને નેતાઓને કલીનચીટ આપી દેવામાં આવી છે.
- Advertisement -
સરકાર દ્વારા જો કે એક પણ કમીટીનો સતાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી અને માત્ર અદાલતમાં જ સોંપવામાં આવ્યો છે. હવે રિપોર્ટના આધારે હાઈકોર્ટ સરકારના કે ઉચ્ચ અધિકારીઓના કાન ખેંચે તો અલગ વાત છે અન્યથા સમગ્ર અગ્નિકાંડની તપાસ રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને અત્યાર સુધીમાં પકડાયેલા અધિકારીઓ સુધીમાં જ પૂર્ણ કરી લેવામાં આવશે. રાજકોટના અગ્નિકાંડને દોઢ મહિના જેવો સમય વીતી ગયો છે. સરકાર અને સરકાર નિયુક્ત કમીટીઓના વડાઓ દ્વારા એકથી વધુ વખત એમ કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટનામાં દોષિત કોઈને પણ છોડવામાં નહીં આવે. તપાસ સમીતીઓને દુર્ઘટનામાં કોની જવાબદારી બનતી હોવાનું દર્શાવવા કહેવામાં આવ્યું હતું. તપાસ સમીતીઓ દ્વારા મ્યુ.કોર્પોરેશન, ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી ફિકસ થતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું અને તેના આધારે જુદા જુદા વિભાગોના એક ડઝનથી વધુ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હવે તપાસ સીનીયર અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી નથી અને અત્યારના તબકકે જ તપાસનો સંકેલો થઈ ગયો હોવાના સંકેતો છે. રાજ્ય સરકારના ટોચલેવલના સૂત્રોએ નામ નહી દેવાની શરતે એમ જણાવ્યું હતું કે તપાસ સમીતીના રિપોર્ટમાં મોટાભાગે આઈએએસ-આઈપીએસ જેવા અધિકારીઓને દોષિત ગણાવવામાં આવ્યા નથી.
હાઈકોર્ટ કેસની સુનાવણી દરમ્યાન કોઈ આકરી સૂચના આપે તો ખાતાકીય
તપાસનો આદેશ થઈ શકે છે અન્યથા તપાસ વર્તમાન તબકકે જ પૂર્ણ ગણી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડની તપાસના રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટને સોંપી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટે સુઓમોટો સર્જી લઈને આ દુર્ઘટનાનો કેસ કર્યો છે. રિપોર્ટ આવી જવાને પગલે આ કેસની સુનાવણી આગામી 25મી જુલાઈએ રાખવામાં આવી છે.