હૉસ્પીટલ ચોકથી બેઠેલા યુવકના નવ હજાર ચોરી અધવચ્ચે ઉતારી દીધો હતો
રિક્ષા ગેંગનો સુત્રધાર હજુ ફરાર: રિક્ષા, રોકડ સહીત 1 લાખનો મુદ્દામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટમાં રીક્ષા ગેંગ ફરી સક્રિય થઇ હોય તેમ થોડા દિવસ પુર્વે હોસ્પીટલ ચોકથી કુવાડવા રોડ તરફ રિક્ષામાં બેસીને જતા યુવકને પાછળ બેઠેલા શખ્સે ઉલ્ટી ઉબકાનું બહાનું કરી 9 હજારની રોકડ ભરેલું પર્સ નજર ચુકવી ચોરી લીધાની ફરીયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીનો ભેદ ઉકેલી નાખી સાગ્રીતની રેલવે સ્ટેશન રોડ ઉપરથી ધરપકડ કરી પૂછતાછ કરતા સૂત્રધાર સાથે મળી જુદા જુદા 36 શિકાર કરી રોકડ ચોરી લીધાની કબૂલાત આપતા પોલીસે રોકડ, રીક્ષા સહીત 1,06,570 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી સુત્રધારની શોધખોળ કરી છે.
રાજકોટના સંતકબીર રોડ પર રહેતા ટ્રક ચાલક યુવક થોડા દિવસ પૂર્વે ખંઢેરી સ્ટેડીયમ પાસે હોટલ પાસે ટ્રક પાર્ક કરી ઘરે જવા હોસ્પિટલ ચોક સુધી આવ્યા હતા અને અહીંથી રિક્ષામાં બેસી કુવાડવા રોડ પર ઘરે જવા બીજી રિક્ષામાં બેઠા હતા જેમા એક શખસ અગાઉથી બેઠો હોય થોડે આગળ જતા પાછળ બેઠેલા શખસે ઉલ્ટીઓ કરતા ચાલકે આ ભાઈની તબીયત ખરાબ થઈ ગઈ છે તમે ઉતરી જાવ કહી ઉતારી રીક્ષા લઇ નાસી છૂટ્યા હતા શંકા જતા ખિસ્સા ચેક કરતા તેના ખીસ્સામાંથી 9 હજાર રોકડ તેમજ લાયસન્સ સહીતનુ પર્સ ગાયબ હતું જેથી તુરંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને તેની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમને મળેલી બાતમી આધારે રેલ્વે સ્ટેશન પાસેથી ગોંડલ રોડ પર શકિત સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલક પ્રકાશ નરેન્દ્રભાઈ હળદરીયાની અટકાયત કરી તેની આગવી ઢબે પુછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે કોઠી કંપાઉન્ડમાં રહેતા નામચીન ધનજી ઉર્ફે ધનો ધેડાણી સાથે છેલ્લા 15 દિવસમાં 36 મુસાફરોને રિક્ષામાં બેસાડી તેની નજર ચુકવી રોકડની ચોરી કરી હોવાનુ રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી સુત્રધારની શોધખોળ હાથ ધરી છે પોલીસે રોકડ અને રીક્ષા સહીત 1,06,570 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.