મોર્નિંગ મંત્ર
ડૉ.શરદ ઠાકર
આજ-કાલ ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ગુરુની પણ ફેશન ચાલી રહી છે. હું સાચા સદગુરુ વિરોધ કરતો નથી, પણ મારો આગ્રહ સદગુરુની કક્ષા માટે રહે છે. સાંપ્રત સમયમાં કહેવાતાં ગુરુઓનો રાફડો ફાટ્યો છે. સાચાં સદગુરુ તો લાખો સંતોમાં એકાદ મળી શકે. હું સામાન્યજનનું નથી કહેતો, લાખો સંતોની વાત કરું છું.
મારી અપેક્ષા પ્રમાણેનાં સદગુરુ એક સિદ્ધપુરુષ હોવાં જોઈએ. જેમની કુંડલિની જાગ્રત થઈ ચૂકી હોવી જોઈએ. એમણે સહસ્ત્રારચક્રમાં રહેલાં નીલબિંદુના દર્શન કર્યા હોવાં જોઈએ અને તેઓ જગતની સાંસારિક મોહ-માયા, લોભ-તૃષ્ણા અને તમામ પ્રકારની કામનાઓથી પર થઈ ગયાં હોવાં જોઈએ. તેઓ લોકોની વચ્ચે રહીને પણ લોકોથી પર હોવાં જોઈએ. અન્નવસ્ત્રાદિ ચીજ-વસ્તુઓ પ્રત્યે એમને આકર્ષણ પણ ન હોય અને નફરત પણ ન હોય. મેં કેટલાંક એવાં પરમ પુરુષોને જોયા છે, જેઓ મહારાજાની જેમ ઠાઠમાં રહેતાં હોય, તેમ છતાં તેમનામાં અંદરથી પૂર્ણપણે વૈરાગ્ય હોય અને મેં એવાં પરમપુરુષોને પણ જોયાં છે, જેઓ તદ્દન નગ્ન હોય અથવા એક નાની લંગોટી ધારણ કરીને ફરતાં હોય, ઉકરડામાં પણ મસ્તીથી આળોટતાં હોય, લોકોની નજરમાં પાગલ જેવાં ભાસતાં હોય, ક્યારેક ગાળો પણ બોલે અથવા લોકોને પત્થરો પણ મારે.
- Advertisement -
સાચા પરમહંસ અથવા યોગીપુરુષ ક્યારેય લાંબા પ્રવચનો આપતાં નથી, તેઓ બહુ ઓછું બોલે છે પણ એમનું દરેક વાક્ય અર્થસભર સૂત્ર જેવું હોય છે. ક્યારેક ભક્તોની કે મુલાકાતીઓની વચ્ચે પણ તેઓ આંખ બંધ કરીને કલાકો સુધી બેસી રહે છે. પછી આંખ ઉઘાડીને એક કે બે વાક્યમાં એમને જે કહેવું હોય એ કહી દે છે.
આવાં સદગુરુ મળે તો જ એમનો સ્વીકાર કરજો. કોઈની કૃપાથી ગાદી પર ચડી બેઠેલાં, પ્રસિદ્ધિને ઝંખનાર, કોઈ ગુરુનાં કહેવાતાં વારસદારને ગુરુ માની લેવાની ભૂલ ન કરશો.
કોઈની કૃપાથી ગાદી પર ચડી બેઠેલાં, પ્રસિદ્ધિને ઝંખનાર, કોઈ ગુરુનાં કહેવાતાં વારસદારને ગુરુ માની લેવાની ભૂલ ન કરશો.