આજથી નાનામવા ચોકમાં સદ્ભાવના મેડિકલ સ્ટોરનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
સેવાના ભાવથી આજથી નાનામવા સર્કલ પાસે સદ્દભાવના વૃધ્ધાશ્રમ મેડીકલ સ્ટોરનો પ્રારંભ થયો છે. જેમાં માત્ર સેવાના ભાવથી ‘ન નફા ન નુકશાન’થી દવા આપવામાં આવશે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સેવા પ્રવૃત્તિઓ કરાય રહી છે. ત્યારે સેવાની પ્રવૃત્તિમાં વધુ એક છોગુ ઉમેરાણું છે.
- Advertisement -
શહેરના નાનામવા સર્કલ પાસે આવેલી સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં નહીં નફો-નહીં નુકસાનની ભાવના સાથે તમામ વર્ગના લોકો માટે દવાઓ આપવામાં આવશે. આ મેડિકલ સ્ટોરમાં દવા લેવા જતાં દરેક લોકોને કોઈપણ જાતનો ચાર્જ લગાવ્યા વગર એ પણ સેવાભાવે દવા આપવામાં આવશે. હાલ મોંઘવારીના સમયમાં દવાઓનો ભાવ પણ આસમાને છે જેના કારણે દર્દીના પરિવારજનોને નાછુટકે આ મોંઘા ભાવની દવાઓ લેવી પડતી હોય છે. મોટા મોટા રોગો જેવા કે કેન્સર, કિડની સહિતના જે રોગો છે તેની દવાઓ ઘણી મોંઘી આવતી હોય છે, જેટલો રોગ મોટો તેની દવાનો ગાળો એટલો જ મોટો રાખવામાં આવતો હોય છે. જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પેટે પાટા બાંધીને પણ નાછુટકે મોંઘી દવા લઈને ઈલાજ કરવો પડતો હોય છે. પરંતુ સદ્ભાવના મેડિકલ સ્ટોર સેવાની ભાવના સાથે દરેક જાતની દવાઓ ખરીદ ભાવે જ આપવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી દવા બનાવતી કંપનીઓ દ્વારા મોંઘવારી વધવાના કારણે ભાવ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ વર્ષ 2022માં દવાની કિંમતમાં અમુક દવાઓમાં 12% અને અમુક દવાઓમાં 10%નો રેકર્ડ વધારો કરવામાં આવ્યો હતો.
છેલ્લા બે વખતથી દવાઓના ભાવમાં બે આંકડાનો વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં ન નફો- ન નુકસાનની ભાવના સાથે તમામ વર્ગના લોકોને દવા આપવામાં આવશે, જે મોટાભાગના લોકો માટે આશીર્વાદ સમાન બનશે. સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે તો દવાઓની કિંમત ઘટાડી છે પરંતુ સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરે પણ ખરીદ ભાવે જ ગ્રાહકોને દવા આપવાનું અભિયાન ઉપાડ્યું છે. સદ્દભાવના મેડીકલ સ્ટોર લોકોને ‘ન નફા કે ન નુકશાન’ના ભાવે દવા અપાશે. જેમાં સંપૂર્ણ એલોપેથી દવાઓનું વેચાણ થશે. સદ્દભાવના વૃધ્ધાશ્રમ મેડીકલ સ્ટોર શરૂ થાય તે પહેલા જ વિવાદમાં ફસાયું હતું. સદ્દભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા જણાવે છે કે સ્ટોર શરૂ કરવા માટે રાજકોટમાં મેડીસીન સપ્લાય કરતા લોકોનો સંપર્ક કરવામાં આવતા તેઓએ દવા આપવાની સખ્ત મનાઇ કરવામાં આવી હતી. જેના કારણે મેડીકલ સ્ટોર માટે મુંબઇ, અમદાવાદ, સુરત, મોરબીથી દવા મંગાવવામાં આવી છે. 10 દિવસ પૂર્વે રાજકોટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. અને સદ્દભાવના ટ્રસ્ટની બેઠક મળી હતી જેમાં સદ્દભાવના ટ્રસ્ટએ કેમીસ્ટ પાસેથી દવાની માંગ કરી હતી પરંતુ તેઓએ પોતાનું નુકશાન જણાવી દવા આપવાની મનાય કરી હતી. ત્યારે સદ્દભાવના ટ્રસ્ટે અન્ય જગ્યાએથી દવા મંગાવવાનું નક્કી કર્યું હતું.