ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે –
-ધારાસભ્ય રાજેંદ્રસિંહ ચાવડા
કોવિડ-૧૯ ની મહામારીને અંકુશમાં લાવવા સમગ્ર દેશમાં તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના ભારતના સૌથી મોટા રસિકરણ અભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ ૫ કેન્દ્રો ખાતેથી કોરોના સાથે સીધો જંગ લડનારા ૫૦૦ આરોગ્ય કર્મીઓને કોવિશિલ્ડ વેકસીન અપાઇ હતી.
જેમાં જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ, હિંમતનગર, ઇડર, વિજયનગર, ખેડબ્રહ્મા અને તલોદ આરોગ્ય કેન્દ્ર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર્સ, નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફને કોરોના રસી અપાઇ હતી.
- Advertisement -
આ પ્રસંગે જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહેલા હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ રસિકરણનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા આગોતરૂ આયોજન કરી લોકડાઉન જાહેર કર્યું તેમજ લોકડાઉન દરમ્યાન લોકોને હાલાકી ન પડે તે માટે અનાજ, પરિવહન, આરોગ્ય સહિતની તમામ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી અને આવી પરિસ્થિતિમાં પી.પી.ઇ.કીટ, વેન્ટીલેટર, દવાઓ સહિતના ઉત્પાદનો ભારતમાં જ નિર્માણ કરી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપ્યો.
ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે તેમજ આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે.જેના ૨૮ દિવસના અંતરે બે ડોઝ લેવા જરૂરી છે.કોરોના સામે રક્ષણ મેળવવા, રોગને ફેલાતો અટકાવવા તથા મૃત્યુદર ઘટાડવા રસી લેવી આવશ્યક છે. કોવિશિલ્ડ રસી તમામ સંશોધન પ્રક્રિયા મુજબ જરૂરી ડેટાનો અભ્યાસ કરીને બનાવવામાં આવેલ છે. કોરોના મુક્ત થયેલ વ્યક્તિ પણ આ રસી લઇ શકે છે. રસી લીધા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ હાથ ધોવા જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, સિવિલ સર્જન ડો. જી.ડી. પટેલ તેમજ સરકારી તથા ખાનગી ક્ષેત્રના ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.


