ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના છેવાડાના અને અતિ દુર્ગમ વિસ્તારના નાનકડા સનવાવ ગામમાં ખેતીકામ કરતા ઘેલાભાઈ ડોડિયાના પરિવારમાં રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી ખુશીનો સંચાર થયો છે. આ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘેલાભાઈ ડોડિયાની દીકરી રુતિકાની હૃદયની જન્મજાત ખામી ઓપરેશનથી દૂર કરવામાં આવી. જેથી તેને નવજીવન મળ્યું. તા.24.11.2011ના રોજ જન્મેલી રુતિકાને જન્મથી જ સ્વાસ્થ્ય અંગે તકલીફ હતી. તેના સ્વાસ્થ્યને લઈ પરિવાર ચિંતાંતુર હતો. આ દરમિયાનમાં ગીરગઢડા તાલુકાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગતની ટીમે ઘેલાભાઈના ઘરે જઈ આ બાળકીની પ્રાથમિક તપાસ કરી હતી પ્રાથમિક તપાસમાં આયુષ તબીબી અધિકારી ડો. હરેશ દાહિમાને જાણ થઈ કે રૂતિકાને હૃદયને લગતી કોઈ જન્મજાત તકલીફ છે. પરિવારજનોને આ વાતની જાણ થતા ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું પરંતુ આરબીએસકે ટીમના સભ્યો દ્વારા રુતિકાના માતા-પિતાને આશ્વાસન આપી આ બાળકીને સઘન તપાસ માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપવામાં આવી.અને આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા રુતિકાને અમદાવાદ ખાતે હૃદયરોગની સારવાર આપતી યુ.એન.મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવી. અહીં હૃદયરોગના તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા રુતિકાની હૃદયની જન્મજાત ખામી ઓપરેશનથી દૂર કરવામાં આવી. હાલ રુતિકા એકદમ તંદુરસ્ત છે અને આનંદ-કિલ્લોલ કરતી રમે છે.