રશિયાની ફેડરલ મેડિકલ બાયોલોજિકલ એજન્સી (FMBA)એ તેની કેન્સર રસી માટે પ્રીક્લિનિકલ ટ્રાયલ્સના સફળ સમાપ્તિની જાહેરાત કરી છે, જે સલામતી અને ઉચ્ચ અસરકારકતા દર્શાવે છે. શરૂઆતમાં કોલોરેક્ટલ કેન્સરને લક્ષ્ય બનાવતી આ રસીએ ગાંઠના કદમાં નોંધપાત્ર ઘટાડો અને જીવિત રહેવાના દરમાં સુધારો દર્શાવ્યો હતો. ગ્લિઓબ્લાસ્ટોમા અને મેલાનોમા માટે રસી વિકસાવવામાં વધુ પ્રગતિ થઈ રહી છે.
રશિયન વૈજ્ઞાનિકોએ કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવારની દિશામાં મોટી સફળતા મેળવી છે. રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીએ કેન્સરની રસી બનાવવામાં સફળતા મેળવી છે. રશિયાના વૈજ્ઞાનિકોએ ‘એન્ટેરોમિક્સ’ નામની રસી બનાવી છે, જે ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા અસરકારક અને સુરક્ષિત સાબિત થઈ છે. હવે સરકાર તરફથી મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. આ રસી માત્ર રશિયા જ નહીં સમગ્ર દુનિયામાં કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની છે.
- Advertisement -
એમઆરએનએ આધારિત રસી ઈમ્યુન સિસ્ટમને કેન્સરના કોશોનો નાશ કરે તેવી બનાવશે, આડઅસરો નથી: વૈજ્ઞાનિકો
રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સી (એફએમબીએ)નાં પ્રમુખ વેરોનિકા સ્ક્વોર્ત્સોવાએ કહ્યું કે, રશિયા એન્ટરોમિક્સ કેન્સર રસી હવે ઉપયોગ માટે તૈયાર છે. એમઆરએનએ આધારિત આ રસીએ પ્રીક્લિનિકલ બધા જ ટેસ્ટ સફળતાપૂર્વક પાર કર્યા છે, જેનાથી તેની સુરક્ષા અને અસરકારક્તા સાબિત થઈ ગયાં છે. આ રસીનું પ્રારંભિક લક્ષ્ય આંતરડાનું કેન્સર (કોલન કેન્સર) હશે. આ રસી કેન્સર વિરુદ્ધ અત્યાધુનિક અને પર્સનલાઈઝ્ડ ઈમ્યુનોથેરેપીરૂપ છે. આ રસીને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવતા પહેલાં સ્વાસ્થ્ય મંત્રાલયની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
એફએમબીએનાં પ્રમુખ વેરોનિકાએ વેરોનિકાએ વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં રસી બનાવવાની જાહેરાત કરી હતી. આ ફોરમમાં 75થી વધુ દેશોમાંથી 8,400થી વધુ પ્રતિનિધિઓ હાજર હતા. સ્ક્વોર્ત્સોવાએ કહ્યું કે, આ સંશોધન અનેક વર્ષો સુધી ચાલ્યું છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષ માત્ર ફરજિયાત પ્રી-ક્લિનિકલ અભ્યાસ જ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સ રસીની સુરક્ષા, વારંવાર ઉપયોગ છતાં તેની અસરકારક્તાની પુષ્ટી કરે છે. સંશોધકોએ આ સમયમાં ટયૂમરનો આકાર ઘટાડયો અને ટયુમરનો વિકાસ અટકાવ્યો હતો. વધુમાં રસીએ કેટલાક કિસ્સામાં કેન્સરની કોશિકાઓને સંપૂર્ણપણે ખતમ કરવામાં પણ સફળતા મેળવી છે. આ સિવાય કેટલાક અભ્યાસોમાં રસીના કારણે દર્દીના જીવિત રહેવાના દરમાં વૃદ્ધિના પણ સંકેત મળ્યા હતા.
- Advertisement -
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ રસીની શરૂઆત ટાર્ગેટ કોલોરેક્ટલ એટલે કે આંતરડાના કેન્સરની સારવારથી થશે. આ સિવાય બ્રેઈન કેન્સર અને આંખના કેન્સર માટે રસી વિકસાવવામાં આશા બંધાય તેવી પ્રગતિ થઈ છે, જે વર્તમાનમાં એડવાન્સ સ્ટેજ પર છે. અગાઉ રશિયાએ જાહેરાત કરી હતી કે તેણે 48 સ્વયંસેવકો સાથે નવી એન્ટેરોમિક્સ ઓન્કોલીટિક રસીના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા છે. આ રસી રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ મેડિકલ રિસર્ચ રેડિયોલોજિકલ સેન્ટરે રશિયન એકેડમી ઓફ સાયન્સની એન્જેલહાર્ડ્ટ ઈન્સ્ટિટયુટ ઓફ મોલેક્યુલર બાયોલોજી સાથે મળીને વિકસાવી છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, અત્યાધુનિક એમઆરએનએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી વિકસાવાયેલી એન્ટેરોમિક્સ રસી એક ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેક્શન તરીકે અપાય છે. તેનો આશય શરીરની ઈમ્યુન સિસ્ટમને એવી રીતે તૈયાર કરવાનો છે, જેથી તે કેન્સર કોશિકાઓને ઓળખીને નાશ કરી શકે. રસીની વિશેષ બાબત એ છે કે તેના મારફત સ્વસ્થ કોશીકાઓને નુકસાન નહીં થાય અને તેની આ જ વિશેષતા પરંપરાગત કીમોથેરેપી અને રેડિએશનના કુ-પ્રભાવોથી બચાવે છે. આ રીતે શરીરને નુકસાન પહોંચતું રોકી શકાય છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન જોવામાં આવ્યું કે, રસી માત્ર સુરક્ષિત જ નથી પરંતુ કોઈપણ ગંભીર આડઅસરના પણ કોઈ સંકેત મળ્યા નથી. આ કારણથી જ હવે રશિયાના અનેક અગ્રણી કેન્સર સેન્ટરોમાં પ્રારંભિક ઉપયોગ માટે તેનો સમાવેશ કરાયો છે.