રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધને 500 દિવસ થઈ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને 500 દિવસ થઈ ગયા છે. બંને દેશોમાંથી એક પણ મચક આપી રહ્યો નથી.યુધ્ધ ક્યારે પૂરુ થશે તે અંગે કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી.આવા સંજોગોમાં રશિયાના બે મીડિયા આઉટલેટે જર્મનીના ડેટા સાયન્ટિસ્ટસ્ સાથે મળીને કરેલા સર્વેમાં દાવો કર્યો છે કે, આ યુધ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 50000 જવાનો માર્યા ગયા છે. જ્યારે રશિયાની સરકારનુ કહેવુ છે કે, રશિયાના 6000 જવાનો યુધ્ધમાં માર્યા ગયા છે.
- Advertisement -
આ સ્ટડી પ્રમાણે 2022માં ફેબ્રુઆરી મહિનામાં યુધ્ધ ભડક્યુ હતુ અને 2022માં 25000 સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 2023માં આ આંકડો હવે 50000 સુધી પહોંચ્યો છે. જેમાં અલગ અલગ વયના સૈનિકો સામેલ છે.જે મીડિયા આઉટલેટ દ્વારા આ સ્ટડી કરાવવામાં આવ્યો છે તે પૈકીના એકને રશિયા ફોરેન એજન્ટ હોવાનુ કહી રહ્યુ છે. જોકે આ સ્ટડી અને અગાઉ થયેલા દાવા અલગ અલગ છે. ફેબ્રુઆરી મહિનામાં બ્રિટને કહ્યુ હતુ કે, રશિયાના 40000 થી 60000 સૈનિકોના મોત થયા છે જ્યારે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ 35000 થી 43000 સૈનિકો મર્યા હોવાનુ કહ્યુ હતુ. જ્યારે વ્હાઈટ હાઉસે મે મહિનામાં કહ્યુ હતુ કે, ડિસેમ્બર 2022થી મે 2023 વચ્ચે 20000 રશિયન સૈનિકો મોતને ભેટ્યા છે.