દેશને રશિયા તરફથી બોમ્બ અને મિસાઇલોનો પ્રથમ સંગ્રહ મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ હવે વધુ ખતરનાક બને તેવા એંધાણ મળી રહ્યા છે. રશિયન પરમાણુ હથિયારોનો પ્રથમ ભંડાર બેલારુસ પહોંચી ગયો છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઈકાલે કહ્યું કે, મોસ્કોએ તેના પરમાણુ હથિયારોનો પહેલો ભંડાર બેલારુસને મોકલી દીધો છે. સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે, ઉનાળાના અંત સુધીમાં બાકીના પરમાણુ હથિયારો મોકલવામાં આવશે.
- Advertisement -
રશિયા યુક્રેનની સરહદે આવેલા દેશમાં પરમાણુ બોમ્બ તૈનાત કરવાની યોજના સાથે આગળ વધી રહ્યું છે. યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગેના પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું કે, રશિયા અને તેની વ્યૂહાત્મક હાર વિશે વિચારનારા તમામ લોકોને આ જોરદાર લપડાક છે. રશિયન નેતાની આ ટિપ્પણી બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોના દાવાની પુષ્ટિ કરે છે જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના દેશને રશિયા તરફથી બોમ્બ અને મિસાઇલોનો પ્રથમ સંગ્રહ મળ્યો છે.