મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ તેમની સેવાઓને સંપૂર્ણ રીતે બ્લોક કરવાની કોશિશ કરી છે, જેથી યુઝર્સને પોતાની સ્થાનિક એપ તરફ વાળવામાં આવે. મેટા પ્લેટફોર્મ્સની અંતર્ગત આવતી વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે રશિયાનું આ પગલું ઇન્ટરનેટ સ્પેસ પર નિયંત્રણ વધારવાની અને વિદેશી ટેક કંપનીઓની ભૂમિકા મર્યાદિત કરવાની વ્યૂહરચનાનો ભાગ છે. જોકે રશિયા પણ ચીનના રસ્તે ચાલવાની તૈયારી કરી રહ્યું છે એવા સવાલો ઊભા થઈ રહ્યાં છે. ચીનમાં મેસેજિંગ એપથી લઈને સોશિયલ સાઇટ્સ સુધી તમામ સર્વિસ પોતાની વિકસાવી છે. બેઇજિંગનો હેતુ છે કે તેઓ પશ્ચિમી દેશોના પ્રભાવને રોકી શકે અને અમેરિકા-યુરોપની ટેકનોલોજી પરની મોનોપોલી પર લગામ લગાવી શકે. રશિયાના પગલાએ એક તરફ મેટા ચીફ માર્ક ઝુકરબર્ગને કોણ પાવરમાં છે એ દેખાડવાની સાથે બીજી તરફ અમેરિકી દાદાગીરીને પણ જોરદાર પડકાર આપ્યો છે.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મોસ્કો અને પશ્ચિમી ટેકનોલોજી કંપનીઓ વચ્ચે તણાવ સતત વધી રહ્યો હતો. રશિયન અધિકારીઓ સ્થાનિક સ્તરે વિકસાવેલી એપ ‘MAX’ને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેને સરકારનો સપોર્ટ હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે. કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે આ એપનો ઉપયોગ યુઝર્સની દેખરેખ અને ડેટા ટ્રેકિંગ માટે થઈ શકે છે. જોકે સરકારી મીડિયા આ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે. વોટ્સએપે કહ્યું કે રશિયા દ્વારા લેવામાં આવેલા પગલાં યુઝર્સને એક સરકાર-માલિકીની સર્વેલન્સ એપ તરફ ધકેલવાની કોશિશ કરી રહ્યું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, ‘અમે યુઝર્સને જોડાયેલા રાખવા માટે તમામ શક્ય પ્રયાસો ચાલુ રાખીશું.’ જોકે કંપનીએ સ્પષ્ટ નથી કર્યું કે રશિયામાં સેવા ફરી શરૂ કરવા માટે તેઓ શું પગલાં લેશે.
- Advertisement -
વોટ્સએપ સામે કડક પગલાં
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સરકારી સમાચાર એજન્સી TASSને આપેલા વીડિયો નિવેદનમાં કહ્યું કે ‘વોટ્સએપની વાપસી રશિયન કાયદાના પાલન પર આધારિત રહેશે. જો મેટા કોર્પોરેશન કાયદાનું પાલન કરે છે અને રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરે તો સમજૂતીની શક્યતા રહેલી છે. જો કંપની અડગ વલણ અપનાવે છે અને કાયદા અનુસાર ઢળવા તૈયાર નથી, તો વોટ્સએપ રશિયામાં શરૂ થવાની કોઈ શક્યતા નથી.’
એક રિપોર્ટ મુજબ રશિયાના સંચાર નિયામક Roskomnadzorએ વોટ્સએપને પોતાની ઑનલાઇન ડિરેક્ટરીમાંથી હટાવી દીધું છે. રશિયામાં આ એપના લગભગ 10 કરોડ યુઝર્સ છે, જે તેને દેશના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ્સમાંનું એક બનાવે છે. આ પગલાને રશિયાની ડિજિટલ નીતિમાં એક વધુ સખ્તાઈ તરીકે જોવામાં આવી રહ્યું છે.
- Advertisement -
એપલ પર પણ પ્રેશર
રશિયાએ ગયા વર્ષે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી વિદેશી મેસેજિંગ સેવાઓ પર કેટલીક કોલ સુવિધાઓને મર્યાદિત કરવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓનો આરોપ છે કે આ પ્લેટફોર્મ્સ છેતરપિંડી અને આતંકવાદ સંબંધિત કેસમાં સરકારી એજન્સીઓ સાથે માહિતીની આપલે કરવાની ના પાડી રહ્યાં છે. ડિસેમ્બરમાં એપલના વીડિયો-કોલિંગ એપ ફેસટાઇમને પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. ટેલિગ્રામના રશિયન મૂળના સ્થાપક પાવેલ ડ્યુરોએ પહેલેથી જ કહી દીધું છે કે તેમની કંપની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને યુઝર્સની ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે. માનવ અધિકાર સંસ્થાઓ અને ડિજિટલ રાઇટ ગ્રુપ્સનું કહેવું છે કે રશિયા દ્વારા સ્થાનિક પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપવું અને વિદેશી સેવાઓને મર્યાદિત કરવું ઇન્ટરનેટ સ્વતંત્રતા પર ગંભીર અસર કરી શકે છે.
ડિજિટલ સ્વતંત્રતા
એક્સપર્ટનું માનવું છે કે આ વિવાદ માત્ર ટેકનિકલ કંપનીઓ અને સરકારો વચ્ચેના સંઘર્ષ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ડિજિટલ સ્વતંત્રતા, ડેટા નિયંત્રણ અને નાગરિકોની ઑનલાઇન સ્વતંત્રતા જેવા વ્યાપક મુદ્દાઓ સાથે પણ જોડાયેલો છે. વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધથી રશિયામાં લાખો યુઝર્સની રોજબરોજની કમ્યુનિકેશન કરવાની વ્યવસ્થા પર અસર થઈ શકે છે. આ પરથી એક વાત ચોક્કસ છે કે રશિયા અને પશ્ચિમી ટેક કંપનીઓ વચ્ચેની ટક્કર આવનારા સમયમાં વધુ મોટી રૂપ લઈ શકે છે. એની અસર વૈશ્વિક ડિજિટલ ઇકોસિસ્ટમ પર પણ પડી શકે છે.




