ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન યુધ્ધ વચ્ચે હવે રશિયા બ્લેક સીમાં વેપારી જહાજોને પણ ટાર્ગેટ કરી શકે છે તેવા અમેરિકાના સનસની ખેજ દાવાથી ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેન સાથેનુ ફૂડ એગ્રિમેન્ટ પણ તોડી નાંખ્યુ છે. જેના કારણે દુનિયાના ઘણા દેશોમાં અનાજનુ સંકટ ઉભુ થઈ શકે છે. તેના થોડા દિવસોમાં જ અમેરિકાએ રશિયાને લઈને ઉપરોક્ત ચેતવણી જાહેર કરી છે. અમેરિકાએ કહ્યુ છે કે, રશિયન સેના બ્લેક સીમાં અવર જવર કરતા વેપારી જહાજો પર હુમલા કરવાની તૈયારી કરી રહી છે. ફૂડ એગ્રીમેન્ટ તોડ્યા બાદ રશિયા યુક્રેનનુ અનાજ જ્યાંથી નિકાસ થાય છે તે બંદર પર મિસાઈલ અને ડ્રોન એટેક પણ કરી ચુકયુ છે. જેમાં 60000 ટન અનાજ બરબાદ થઈ ગયુ છે.
અમેરિકાનુ કહેવુ છે કે, રશિયાએ તો યુક્રેનના બંદર તરફના જળમાર્ગમાં દરિયાઈ સુરંગો પણ બીછાવી છે. રશિયા વેપારી જહાજો પરના હુમલાને યોગ્ય ઠેરવવા પણ પ્રયાસ કરશે અને આ હુમલા માટે યુક્રેન પર પણ દોષનો ટોપલો ઢોળશે. બીજી તરફ યુક્રેને રશિયા સાથેનુ ફૂડ એગ્રીમેન્ટ તુટી ગયા બાદ પણ અનાજનો સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેના કારણે પણ રશિયન હુમલાની સંભાવનાઓ વધી ગઈ છે.