શહેરમાં અનેક જગ્યાએ ડસ્ટબીન તૂટી ગઇ: ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ
અનેક જગ્યાએથી હજારો રૂપિયાની ડસ્ટબીન ગાયબ: કોનાં રૂપિયે દિવાળી
- Advertisement -
ટ્રાયલમાં નિષ્ફળતા મળી હોવા છતાં 2 હજાર ડસ્ટબીન શહેરમાં મૂકાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા અને ભ્રષ્ટાચાર પર્યાય બની ગયા છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં અનેક કૌભાંડો થયો છે. પરંતુ મનપાનાં અધિકારીઓનો વાળ પણ વાંકો થયો નથી. કેટલાક કર્મચારીઓ તો નિવૃત પણ થઇ ગયા અને કેટલાક નિવૃત થવાનાં આરે છે. જૂનાગઢનાં વિકાસ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે. પરંતુ અનઆવડત અને જાણે કેટલાક અધિકારીઓનાં કારણે કરોડ રૂપિયા વેડફાઇ જાય છે. નવા કામ પછી તેનો કોઇ દરકાર લેવામાં આવતી નથી. બીલ બની જાય અને પાસ થઇ જાય છે. પછી થયેલા કામની શું સ્થિતી છે ? તે કોઇ જોવા વાળુ કે પુછવા વાળું નથી. કારણે કે મનપામાં ભાજપનું એક હથું શાસન છે. જેથી કોઇ અવાજ ઉઠાવતું નથી. પ્રજા અને સરકારની ગ્રાન્ટનાં રૂપિયા વેડફાઇ રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાને લઇ ઠેર-ઠેર ડસ્ટબીન મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં માર્ગો અને સોસાયટીઓમાં 2000 ડસ્ટબીન મૂકવાનું આયોજન કર્યું છે. જેમાં સુકો કચરો અને ભીનો કચરો એમ બે પ્રકારે ડસ્ટબીન મુકવાની હતી. મહાનગર પાલિકાએ ટ્રાયલ બેઝ પર 50 ડસ્ટબીન પહેલા મૂક્યાં હતાં. આ ડસ્ટબીનની હાલત ખરાબ થઇ હતી. કેટલીક તૂટી ગઇ હતી અને કેટલીક ચોરી થઇ ગઇ હતી. પરંતુ મહાપાલિકાએ આ ટ્રાયલમાંથી બોધપાઠ ન લીધો અને શહેરમાં ડસ્ટબીન મૂકવાનું શરૂ કરી દીધું છે. શહેરનાં દરેક મુખ્ય માર્ગ ઉપર ડસ્ટબીન મૂકાઈ છે અને અનેક જગ્યાએથી ડસ્ટબીન ગાયબ થઇ ગઇ છે. તેમજ ડસ્ટબીન નબળી ગુણવત્તાની હોવાની પણ ચર્ચા ઉઠી છે. અંદાજે રૂપિયા 1.80 કરોડની ડસ્ટબીન ખરીદવાનું આયોજન હતું. યોગ્ય તપાસ કરવામાં આવે તો મહાનગર પાલિકામાં અગાઉ થયેલા કૌભાંડની માફક નવુ કૌભાંડ બહાર આવે તેમ છે.
- Advertisement -
ઉપરાંત એવી અનેક જગ્યા છે કે જયાં કોઇ કચરો ફેંકતું જ નથી એવી જગ્યાએ પણ ડસ્ટબીન મૂકવામાં આવ્યાં છે. હવે અહીં લોકો કચરો ફેંકતા થશે. બાદ અહીં કચરાનો પોઇન્ટ બની જશે. મનપા સમયસર કચરો તો ઉપાડતું નથી. એટલે કચરનાં ઢગલા થશે. માત્ર કાગળ ઉપર સંખ્યા બતાવવા ડસ્ટબીન મુકવામાં આવ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
સર્વે કે અભ્યાસ વિના ડસ્ટબીનની ખરીદી?
જૂનાગઢમાં જે પ્રકારે ડસ્ટબીન મુકવામાં આવ્યાં છે તે મુજબ લાગી રહ્યું છે કે કોઇ જ પ્રકારનો સર્વે કે અભ્યાસ વિના ડસ્ટબીનની ખરીદી થઇ છે. ખરીદી કરેલા ડસ્ટબીન આડેધડ મુકવામાં આવી રહ્યાં છે. વંથલી રોડ ઉપર અશોક હોલની સામેની બાજુ આગળ ડસ્ટબીન મૂકાયા છે. અહીં કોઇ કચરો પણ ફેંકતું નથી. છતા પણ અહીં ડસ્ટબીન મૂકવામાં આવ્યાં છે. અહીં ડસ્ટબીન મૂક્યા બાદ કોઇએ કચરો પણ નાખ્યો નથી. અનેક જગ્યાએ ડસ્ટબીન બીનઉપયોગી બન્યાં છે.
ચોબારી રોડ ઉપરથી ડસ્ટબીન ગાયબ
જૂનાગઢનાં ઝાંઝરડા અન્ડબ્રિજથી ચોબારી ફાટક સુધીનાં માર્ગ ઉપર ડસ્ટબીન મુકવામાં આવ્યાં છે. પરંતુ અહીંથી કેટલાક ડસ્ટબીન ગાયબ થઇ ગયા છે. એક જગ્યાએ માત્ર સુકા કચરાનું ડસ્ટબીન છે. જયારે ભીના કચરાનું ડસ્ટબીન ગાયબ થઇ ગયું છે. તો એક જગ્યાએ તો બન્ને ગાયબ થઇ ગયા છે. માત્ર લોખંડનું સ્ટેન્ડ રહ્યું છે. તે પણ પડવું પડવું થઇ ગયું છે.