500 કરોડના કૌભાંડ અંગે કોંગી નેતાઓએ માફી માંગવાનો કર્યો ઈન્કાર
ખાસ-ખબર સંવાદદાતા
આણંદપર ગામ નજીક 500 કરોડના જમીન કૌભાંડ અંગેના આક્ષેપોને લઈને રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં કોંગી નેતાઓ વિરુધ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગી નેતાઓ દ્વારા જમીનના ઝોન ફેરબદલી કરીને 500 કરોડનું કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યો છે. રાજકોટ નજીકની આણંદપર – નવાગામ પાસે 111 એકર જમીનનો હેતુફેર કરીને રૂપાણી સહિત ભાજપના લોકોએ પોતાનું હિત સાધ્યું છે તેવા આક્ષેપો કોંગી નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો થયાં તે સમયે રૂપાણી અમેરિકામાં હતા.
- Advertisement -
જો કે કોંગી નેતાઓના આ તમામ આક્ષેપોને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખોટા ઠેરવ્યા હતા. અમેરિકાથી ફરત ફરીને રૂપાણીએ પોતાના વકીલ મારફત કોંગી નેતાઓને નોટીસ મોકલાવી હતી અને તેમના વિરુધ્ધ કરવામાં આવેલા ખોટા આક્ષેપો બદલ માફી માંગવા કહ્યું હતું. પરંતુ આ નોટીસ બાદ પણ કોંગી નેતાઓએ માફી માંગી નહોતી.
કોંગી નેતાઓનું કહેવું છે કે અમે આક્ષેપો એમનમ નથી કર્યા. અમે આધારભૂત રેકોર્ડ ચેક કરીને જ 500 કરોડના કૌભાંડ વિશે રૂપાણી સામે આક્ષેપો કર્યા છે. તેથી માફી માંગવાનો કોઈ સવાલ જ આવતો નથી. અંતે રૂપાણીએ કોંગી નેતાઓએ માફી ન માંગતા ગાંધીનગર કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં જ્યુડિસીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ 500 કરોડના કૌભાંડના ખોટા આક્ષેપો કરવા બદલ કોંગ્રેસના નેતાઓ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે નીતિન ભારદ્વાજ ઉપર પણ કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે ભારદ્વાજે ગઈકાલે રાજકોટની કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી.


