વેપારીઓ-સ્થાનિકોએ હાર પહેરાવી મોં મીઠું કરાવ્યું, એક તરફનો રસ્તો બંધ થતાં ટ્રાફિકજામ
ખુલ્લી જીપમાં પોતાનો લોકસંપર્ક શરૂ કર્યો: બેટ બતાવી લડવાનો ઈશારો કર્યો!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન અને વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આજે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્ર્વર મહાદેવ તેમજ હનુમાનમઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કરી પોતાના ચૂંટણીપ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ તકે રૂપાલાએ પદયાત્રાને બદલે ખુલ્લી જીપમાં પોતાનો પ્રચાર કર્યો હતો. દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડેમીના વિદ્યાર્થીઓનું બેટ પકડી લડી લેવાનો ઇશારો કર્યો હતો. જોકે તેમના આ ચૂંટણીપ્રચાર દરમિયાન રૈયા રોડ ઉપર એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયાં હતાં. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે.
એક દિવસ પહેલાં 150 ફૂટ રિંગ રોડ ઉપર રૂપાલાની સભા પહેલાં વિરોધપ્રદર્શન કરવા જતાં પદ્મિનીબા વાળા સહિતનાં મહિલાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. દરમિયાન ગઇકાલે સાંજે ત્રંબામાં ભાજપની સભા દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા અને ખુરસીઓ ઉડાવી હતી. ત્યારે આજે સવારે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી પોતાના ચૂંટણીપ્રચારનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ તેઓ રૈયા રોડ ઉપર આવેલા હનુમાન મઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને ત્યાર બાદ ખુલ્લી જીપમાં પોતાનો લોકસંપર્ક શરૂ કર્યો હતો. હનુમાન મઢી ચોકથી ખુલ્લી જીપમાં રૂપાલાની સાથે રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ-પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ સાથે રહ્યાં હતાં.
- Advertisement -
રૂપાલાનું દીકરીઓએ કંકુ-ચોખા કરી સ્વાગત કર્યું હતું, તો વેપારીઓએ રૂપાલાને હાર પહેરાવી આવકાર્યા હતા. આ તકે શહેરના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ એકેડેમી ચલાવતા કૌશિક અઢિયા ભાજપનો ખેસ પહેરી ચૂંટણીપ્રચારમાં જોડાયા હતા. તો બીજી તરફ ક્રિકેટની તાલીમ લેતા ખેલાડીઓએ પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ખેલાડીઓ બેટ લઈ રૂપાલાને આવકારવા પહોંચી ગયા હતા. જેથી રૂપાલાએ પણ હાથમાં બેટ લીધું હતું, જોકે તેમનો આ ઈશારો કોના તરફ હોય એ તો ભગવાન જાણે. રૈયા રોડ ઉપર પુરુષોત્તમ રૂપાલાના ચૂંટણીપ્રચાર વખતે ભાજપ આવે છે, એ પ્રકારનાં ગીતો ડીજેના તાલે ગૂંજી ઊઠ્યાં હતાં. તો ફટાકડા પણ ફૂટ્યા હતા. આ દરમિયાન રૈયા રોડ ઉપર હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લીધે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રૂપાલાનો પ્રચાર ધમાકેદાર રહ્યો હતો, પરંતુ આ સમયે રૈયા રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.