સુરત-ભાવનગર, રાજકોટ સહિતની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોને ઉડાવી દેવાનો મેઈલ: પરીક્ષા વચ્ચે તંત્ર દોડતું થયું
સુરક્ષા એજન્સીઓએ ઑફિસો ખાલી કરાવી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
એક તરફ રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે(27 ફેબ્રુઆરી) સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું છે. તાબડતોડ બોમ્બ-ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી.
તો બીજી તરફ ભાવનગર, અમરેલી, નવસારી-વલસાડ સહિતના શહેરોની પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલ તો શહેરોમાં પોસ્ટ ઓફિસને ખાલી કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુજરાતની લગભગ પોસ્ટ ઓફિસને એક સરખો જ મેઇલ આવ્યો છે, જે પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટના મેઇલમાં આવ્યો છે.
વેરાવળ શહેરમાં આવેલી ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની હતી. ધમકીભર્યો મેઇલ મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (કઈઇ), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ) અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (ઇઉઉજ)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના વિસ્તારને કોર્ડન કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇઉઉજ ટીમ દ્વારા સમગ્ર બિલ્ડિંગ અને પરિસરનું ઝીણવટભરી રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. વલસાડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હેડ પોસ્ટ ઓફિસ ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ બંને ઘટનાસ્થળે પહોંચ્યા છે. ધમકીને પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી હતી. ધમકીનો મેઇલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા હતાં. સાથે ફાયર વિભાગને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું.
રાજકોટ રિઝનલ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતા ચકચાર મચી જવા પામી છે રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મળતા તુરંત 112માં જાણ કરતા કંટ્રોલ રૂમ મારફત એ ડિવિઝન પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ અને ચછઝ સહિતની ટિમો પણ દોડી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી પરંતુ પ્રાથમિક તપાસમાં કઈ શંકાસ્પદ મળ્યું ન હતું જો કે ધમકીભર્યા ઈ મેઈલ મળતા પાસપોર્ટ ઓફિસમાં આવેલા અરજદારો, સ્ટાફ વગેરેમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને થોડીવાર માટે કામગીરી અટકાવી તમામ સ્ટાફને તેમજ અરજદારોને બહાર સહી સલામત ખસેડી કચેરી ખાલી કરાવવામાં આવી હતી.



