મહિલા કેળવણી નિરીક્ષકની નિયમ વિરુદ્ધ પૂછપરછ કરી, પણ મહિલા સભ્યને હાજર ન રાખ્યાં !
સદાદિયાએ ચેરમેન પુજારાની હાજરીમાં જ મહિલા કેળવણી નિરીક્ષકના
- Advertisement -
ટુ-વ્હીલરનું ટાયર ચીરી નાખ્યું હતું: શાની તપાસ અને કેવું હીયરિંગ ?
તપાસ સમિતિની રચનાને બદલે પોતે
જાણે કલેકટર હોય તેમ હીયરિંગનો ખેલ કર્યો : બધાં એકબીજાને બચાવવામાં વ્યસ્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટ શિક્ષણ સમિતિના મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા ચેરમેન અને શાસનાધિકારીને કરવામાં આવેલી અરજી સંદર્ભે ગત 16 માર્ચના રોજ હિયરીંગ ગોઠવવામાં આવ્યું હતું. આ હિયરીંગની વધુ કેટલીક ચોંકવનારી બાબતો પ્રકાશમાં આવી છે. શિક્ષણ સમિતિમાં ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક વિરુદ્ધ આરોપી દિનેશ સદાદિયાના કરાયેલા હિયરીંગમાં શાસનાધિકારી કિરીટ પરમારે ઘણા નિયમ ભંગ કર્યા હોવાનું માલૂમ પડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તા. 8/11/2023ની શાળા નં. 78ની રૂબરૂ મુલાકાત દરમિયાન બનેલી ઘટના અંગે ન્યાય અપાવવા તા. 9/11/2023ના રોજ અરજી કરવામાં આવી હતી. આ અરજી થયા બાદ ચેરમેન પુજારા કે શાસનાધિકારી પરમારે નિયમ મુજબ ત્રણ મહિના સુધી કોઈ જ કાર્યવાહી કરી ન હતી. નિયમ અનુસાર મહિલા કેળવણી નિરીક્ષકની અરજી થયા બાદ ત્રણ મહિનાની અંદર હિયરીંગ થવું જરૂરી છે. નિયમ વિરુદ્ધ મહિલા કેળવણી નિરીક્ષક ગત વર્ષે નવેમ્બર મહિનામાં થયેલી અરજીનું હિયરીંગ ચાર-પાંચ મહિના બાદ ચાલુ વર્ષે માર્ચ મહિના થયું છે. આ ઉપરાંત હિયરીંગ દરમિયાન નિયમ મુજબ એકપણ મહિલા સભ્ય કે મહિલા અધિકારી કે મહિલા કર્મચારીને હાજર રાખવામાં આવ્યા નહતા. આ હિયરીંગ શાસનાધિકારી કિરીટ પરમારે જરૂરી તમામ નિયમોનું ઉલ્લંઘન તો કર્યું જ હતું આ સાથે કિરીટ પરમારે ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક સાથે આરોપી જેવું અત્યંત ગેરવાજબી વર્તન કર્યું હતું. તેણે મહિલા કેળવણી નિરીક્ષકને ધમકી પણ આપી હતી કે, ’હવે તમારાથી નોકરી કેમ થશે તે હું પણ જોઉં છું.’ આરોપી દિનેશ સદાદિયા સહિતનાઓને બચાવવા માટે શાસનાધિકારી કિરીટ પરમારે ગોઠવેલું હિયરીંગ નિયમ મુજબ છે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે કેમ કે કાયદાના જાણકારોના જણાવ્યાનુસાર શાસનાધિકારીને હિયરીંગ કરવાની કોઈ સત્તા જ નથી.
મહિલા કેળવણી નિરીક્ષકનું હિયરીંગ ઉચ્ચ કક્ષાના અધિકારી જ કરી શકે. જો શિક્ષણ સમિતિમાં મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરવામાં આવી તો સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કેમ ન કરવામાં આવી? શું શિક્ષણ સમિતિમાં મહિલા સભ્યોની આવારા તત્વો દ્વારા કરવામાં આવતી પજવણીની ફરિયાદ બાદ પણ મહિનાઓ સુધી કોઈ પગલાં ભરવામાં આવતા નથી? અનેક બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે, શાસનાધિકારી કિરીટ પરમારે મહિલા કેળવણી સભ્યોની હાજરી વિના, મહિલા તપાસ સમિતિની રચના વિના મહિલા કેળવણી નિરીક્ષકનું કરેલું હિયરીંગ એ હિયરીંગ નહીં એક પ્રકારનું હેરેશમેન્ટ છે.
સદાદિયાની ગુંડાગીરી :
છરી-બ્લેડથી ટાયર ચીરી નાખ્યું
ગત તા. તા. 9/11/2022ના રોજ મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તા. 8/11/2022ની શાળા નં. 78ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષક સંઘના પ્રમુખ – સી.આર. સી. દિનેશ સદાદિયા તથા યુ.આર.સી શૈલેષ પાડલીયા દ્વારા શિસ્તભંગ કરવામાં આવ્યો હતો. મહિલા કેળવણી નિરીક્ષકના સ્કૂટરના ટાયરમાં છરી/બ્લેડ વડે પંચર પાડી નાખ્યું હતું અને ગેરવાજબી વર્તન કર્યું હતું. દિનેશ સદાદિયા છેલ્લા ઘણા મહિનાઓથી મહિલા કેળવણી નિરીક્ષકને માનસિક હેરાન કરતો હોય આ મામલે મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા શાસનાધિકારીને ગત. તા. 9/11/2023ના રોજ અરજી કરવામાં આવી હતી. આ અરજી અન્વયે ગત 16 માર્ચે કરવામાં આવેલા હિયરીંગ પણ નિયમ વિરુદ્ધ હતું. શાસનાધિકારી કિરીટ પરમારે મહિલા કેળવણી નિરીક્ષક સાથે મોટા અવાજે વાત કરી તેમને ડરાવ્યા – ધમકાવ્યા હતા. ત્યારબાદ મહિલા કેળવણી નિરીક્ષકની માનસિક અને શારીરિક હાલત ખરાબ થઈ જતા તેઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ સહિત સંબંધિત વિભાગ સમક્ષ તેમની પજવણી કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અંગે મંજૂરી માંગી છે.
હિયરીંગના ઓડિયો-વિડીયો ફૂટેજ મંગાવાયા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કિરીટ પરમારે દિનેશ સદાદિયાની હાજરીમાં મહિલા કેળવણી નિરીક્ષક સાથે કરેલી ગેરવર્તણૂંક અને આપેલી ધમકીઓ જગજાહેર કરવા માટે હિયરીંગના ઓડિયો-વિડીયો ફૂટેજ માંગવામાં આવ્યા છે. આ ઓડિયો – વિડીયો ફૂટેજ જાહેર થતા જ કિરીટ પરમારની અસલિયત સામે આવી જશે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. જો શિક્ષણ સમિતિ સંલગ્ન પદાધિકારી – અધિકારી આ ઓડિયો – વિડીયો ફૂટેજ નહીં આપી શકે તો હિયરીંગ દરમિયાન ઓડિયો – વિડીયો ફૂટેજ દ્વારા રેકોર્ડિંગ ન કરવામાં આવ્યું હોવાનો વધુ એક નિયન ભંગ ગણાશે!