‘વહીવટી કારણોસર’ કાર્યવાહી મોકુફ રાખ્યાની જાહેરાત
139 ફ્લેટની ફાળવણીની જાહેરાત થતાં લોકોએ દોડધામ પણ શરૂ કરી દીધી’તી
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા તા.25 એપ્રિલથી મુંજકા ખાતે નિર્માણ પામી રહેલી 3-બીએચકેના ફ્લેટની ફાળવણી માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવનાર હોવાની જાહેરાત હજુ ગઈકાલે જ કરવામાં આવી હતી. જો કે આ નિર્ણય કરવામાં ‘ઉતાવળ’ થઈ ગયાનું માલૂમ પડતાં અંતે આજે આ ફાળવણી મોકુફ જાહેર કરવામાં આવી છે અને હવે ફોર્મ વિતરણ માટેની નવી તારીખ નવેસરથી જાહેરાત કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવતાં લોકોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
આ અંગે રૂડા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ગૃહ યોજના (એમએમજીવાય) હેઠળ નિર્માણાધિન 139 139 એમઆઈજી કેટેગરીની આવાસો માટે ‘વહેલા તે પહેલાના ધોરણે’ ફાળવણીની કાર્યવાહી તા.25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વહીવટી કારણોસર હાલ રૂડા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠલ આવાસ ફાળવણીની કાર્યવાહી હાલ મોકુફ રાખવામાં આવી છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રૂડા દ્વારા આ ફ્લેટની ફાળવણી માટેના ફોર્મ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી અને જાહેરાત થતાંની સાથે જ લોકોએ ફોર્મ લેવા માટેની તૈયારી કરી લીધી હતી અને પૂછાણ પણ શરૂ કરી લીધું હતું બરાબર ત્યારે જ આજે કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવતાં લોકોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
દરમિયાન રૂડાના સીઈઓ એન.એફ.ચૌધરીએ જણાવ્યું કે ફોર્મ વિતરણની નવી તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી અને હવે સંપૂર્ણ તૈયારી થઈ ગયા બાદ જ નવી તારીખ જાહેર કરવામાં આવશે.