500થી વધુ અરજદારોને હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સોફ્ટવેરની ખામીને કારણે રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઠપ્પ થઇ જતા ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે આવતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવાની સાથે આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડ્યા હતા. બીજીતરફ રાજકોટમાં છેલ્લા અઢી દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી દરરોજના 350 અરજદારો જોતા અંદાજે 500 જેટલા અરજદારોને ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ રી-શેડયુલ કરવાની નોબત આવ્યાનું જાણવા મળે છે.
- Advertisement -
છેલ્લા ઘણા સમયથી આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ધાંધિયા શરૂ થયા છે જેમાં રાજકોટમાં છેલ્લા અઢી દિવસ એટલે કે, ગત તા.19ના રોજ બપોરથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થઇ જતા રાજકોટ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લેનાર 500થી વધુ અરજદારોની એપોઇન્ટમેન્ટ રી-શેડ્યુલ કરવાની નોબત આવી હોવાનું જાણવા મળે છે. રાજકોટ આરટીઓ કચેરીના અધિકારી ભાવેશ શીંગાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત રાજ્યભરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે.
વધુમાં આરટીઓ ઇન્સ્પેકટર ભાવેશ શિંગાળાએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં રાજકોટમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળી દૈનિક 350 જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે તે જોતા તા.19ના રોજ બપોર બાદથી ટેસ્ટ ટ્રેકની કામગીરી ખોરવાઈ જતા અનેક લોકોને એપોઇન્ટમેન્ટ રીશેડયુલ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. જો કે, સમગ્ર રાજ્યમાં સોફ્ટવેરની સમસ્યા હોય ટેસ્ટ ટ્રેક પુન: ક્યારે કાર્યાન્વિત થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા રાજકોટ આરટીઓ કચેરી કરી શકી ન હતી.