નવા નિયમ પ્રમાણે તો અમે ગાડી ચલાવી શકીએ એમ જ નથી : વાન ચાલકો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
રાજકોટના ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી બાદ જે રીતે આખા રાજ્યમાં તમામ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીને લઇને મહાનગરોમાં સ્થાનિક તંત્ર દ્વારા ઘોંસ બોલાવાઇ છે. એજ રીતે સ્કુલ વાન અથવા રીક્ષાઓમાં શાળાએ જતા બાળકોની સેફ્ટીને લઇને પણ આરટીઓએ ઘોંસ બોલાવી છે. જૂનાગઢ શહેરમાં આજે સવારે આરટીઓ અધિકારી મહેશ આંબલિયાની આગેવાની હેઠળ અધિકારીઓએ મધુરમ વિસ્તારમાં રોડ પરથી પસાર થતી તમામ સ્કુલ વાનને રોકીને ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 20 વાનમાં કાગળો અને નિયમ મુજબની સુવિધા ન હોવાથી તેઓને કુલ રૂ. 85 હજારનો દંડ ફટકાર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્કૂલ વાહન તરીકે વપરાતા વાહનોમાં રેડિયમ, બારીઓ પર લોખંડની જાળી, અગ્નિશામક તથા ફર્સ્ટ એડ કીટ, સ્કૂલનું નામ તથા હેલ્પલાઇન નંબર, આ ઉપરાંત ટેક્સ, વીમો, પીયુસી, પરમીટ, ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે મુદ્દાઓ અંગે ચેકિંગ કરાયું હતું.
14 બાળકોને વાનમાં બેસાડવા દે અને કાગળ તૈયાર કરવા 2 મહિનાની મુદ્દત આપે: વાનચાલકોની માગણી
અમને જૂના નિયમ મુજબ 14 બાળકોને વાનમાં બેસાડવા દે અને કાગળ તૈયાર કરવા માટે 2 મહિનાની મુદ્દત આપે. એ સિવાય અમારી પાસે સ્વૈચ્છિક રીતેજ આ કામ બંધ કરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. નવા નિયમ મુજબ, માત્ર 7 બાળકોને બેસાડી શકીએ. એનો અર્થ એકે, અમે અત્યારે જે બાળક દીઠ રૂ. 1100 લઇએ છીએ એ ડબલ કરીને રૂ. 2200 લેવા પડે. એની સામે અત્યારે અમારી પાસે એક વાનમાં 14 બાળકોને આરામથી બેસાડી શકીએ એવી વ્યવસ્થા તો છેજ. તેમ વાનચાલકોએ જણાવ્યું હતું.
બાળકોની સેફ્ટી મુખ્ય મુદ્દો છે, ચેકિંગ ડ્રાઇવ ચાલું જ રહેશે: RTO
આરટીઓ અધિકારીએ જણાવ્યું છે કે બાળકોની સેફ્ટી મુખ્ય મુદ્દો છે. એટલે તમામ સ્કુલ વાહનોને એવો મેસેજ આપવાનો હેતુ છે કે, નિયમ પ્રમાણેની તમામ જોગવાઇઓ વાહનમાં હોવી જોઇશે અને પૂરતા કાગળો પણ હોવા જોઇશે. ચેકીંગ તો રોજેરોજ ચાલુજ રહેશે. વધુમાં આરટીઓ અધિકારી મહેશ આંબલીયા એ જણાવ્યું હતું કે સેફટીનાં માપદંડો પૂરા કરવાની તાકીદ કરી જ છે. અમારી મિટિંગ વખતે તેમજ વખતો વખત તેઓને તમામ કાગળો તૈયાર રાખવાની સુચના અને સેફ્ટી માટેના માપદંડો પૂરા કરવાની તાકીદ કરીજ છે. એ તેઓએ રાખવાજ પડશે. અન્યથા કાર્યવાહી કરવામાં આવશે એમ પણ આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું.