ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ તાજેતરમાં જ તેના વાર્ષિક અહેવાલમાં નાણાકીય વર્ષ 2021-22 માટે બેન્કિંગ સેક્ટરમાંથી પકડાયેલી નકલી નોટોની વિગતો જાહેર કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે, દેશમાં નવી ડિઝાઈનની રૂ. 500ની નકલી નોટોની સંખ્યામાં 102 ટકા જ્યારે રૂ. 2,000ની નકલી નોટોની સંખ્યામાં 55 ટકાનો વધારો થયો છે જ્યારે અન્ય મૂલ્યની નકલી નોટો સાથે અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, હવે દેશમાં 97 ટકા લોકો નકલી નોટોને ઓળખી શકે છે.
આરબીઆઈના રિપોર્ટ મુજબ બેન્કિંગ સેક્ટરે 2021-22 દરમિયાન નવી ડિઝાઈનની કુલ 79,669 નકલી નોટ પકડી છે જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેની સંખ્યા માત્ર 39,453 હતી. 2008માં નોટબંધી દરમિયાન બંધ કરાયેલી રૂ. 500ની જૂની ડિઝાઈનવાળી પણ 14 નકલી નોટો બેન્કિંગ સેક્ટરમાં પકડાઈ છે. આ નકલી નોટોનું કુલ મૂલ્ય રૂ. 3,98,41,500 છે. સરકારે નવી ડિઝાઈનવાળી રૂ. 500ની નોટની સાથે જ દેશમાં રૂ. 2,000ની નવી નોટ પણ ચલણમાં મૂકી હતી. આ વર્ષે રૂ. 2,000ની 13,604 નકલી નોટો બેન્કિંગ સેક્ટરમાંથી પકડાઈ છે અને તેનું કુલ મૂલ્ય રૂ. 2,72,08,000 છે.