રૈયા રોડ ઉપર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાયા
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને 1,300 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. આજરોજ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર રામદેવપીર ચોકમાં આવેલા ફાયર સ્ટેશન પાસે રૈયા સર્વે નંબર 217 ના પ્લોટ નંબર 1125, 1126, 1131, 1132ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા 2 કોમર્શિયલ બાંધકામ, 1 રેસ્ટોરન્ટ અને 1 ગેરેજનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજીત રૂા. 10 કરોડની બજાર કિંમત ધરાવતી 1300 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ તકે મામલતદાર જાનકી પટેલે કહ્યું, રાજકોટ જિલ્લામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવશે તો તેને તોડી પાડવામાં આવશે. ખાલી કરાયેલી સરકારી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવશે. આમ છતાં, પણ જો કોઈ દબાણકર્તાઓ ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિષ કરશે અથવા દબાણ કરશે તો તેમના વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે.