જૂન 2025માં દૈનિક સરેરાશ 129થી વધુ વાહનચાલકોને દંડ ફટકારાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી છે. જૂન 2025 દરમિયાન, ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર 3895 વાહનચાલકો સામે કેસ કરીને કુલ ₹13.17 લાખનો દંડ વસૂલ કર્યો હતો. આ સમયગાળામાં 79 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે, આ મહિનામાં દૈનિક સરેરાશ 129થી વધુ વાહનચાલકોએ ₹43,000થી વધુનો દંડ ભરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને વાહન અકસ્માતોને રોકવા માટે આ કાર્યવાહી જરૂરી બની છે. જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ, ટ્રાફિક પીએસઆઈ એલ.બી. બગડા અને સમગ્ર ટ્રાફિક સ્ટાફ દ્વારા જિલ્લાના નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને અન્ય ધોરીમાર્ગો પર સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આમ, છેલ્લા એક મહિનામાં કુલ 3595 વાહનચાલકો સામે કાર્યવાહી કરીને કુલ ₹13,17,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે દૈનિક સરેરાશ 129થી વધુ વાહનચાલકોએ ₹43,000થી વધુનો દંડ ભર્યો હતો. આ કાર્યવાહીથી ટ્રાફિક નિયમ પાલનમાં સુધારો જોવા મળે તેવી અપેક્ષા છે
- Advertisement -
દંડ વસૂલાત અને કાર્યવાહીની વિગત:
હાજર દંડ (NC): જૂન 2025માં 3427 વાહનચાલક પાસેથી ₹9,54,900નો હાજર દંડ વસૂલ કરાયો હતો.
વાહન ડિટેઈન: 79 વાહન ડિટેઈન કરીને ₹3,58,900નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તમાકુ અધિનિયમ: તમાકુ અધિનિયમ અંતર્ગત 40 કેસમાં ₹4,000નો દંડ કરાયો હતો.
દારૂ પીને અને ભયજનક વાહન ચલાવવા: દારૂ પીને અને ભયજનક રીતે વાહન ચલાવતા કુલ 49 ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.