ગુજરાતની ક્ધયા કેળવણીને વેગ : ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંકલ્પને સાકાર કરતી યોજના
ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે કુલ રૂ.50,000 સુધીની સહાય યોજનામાંથી અપાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની દીકરીઓ માટે હવે શિક્ષણ માત્ર એક અધિકાર નહિં પણ સશક્તીકરણની ગેરંટી છે. ’નમો લક્ષ્મી યોજના’ એ ક્ધયા કેળવણીના ઇતિહાસમાં એક સુવર્ણ સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યું છે. ’નમો લક્ષ્મી યોજના’ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થીનીને રૂ. 1,000 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ યોજના માટે રૂ. 1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને રાજ્ય સરકાર કુલ રૂ. 50 હજાર સુધીની સહાય આપીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પરનું આર્થિક ભારણ હળવું કરે છે. આ સહાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મળવાપાત્ર છે. આ યોજનામાં મહત્વની બાબત એ છે કે, જો વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય, તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે પ્રાપ્ત થાય છે.
નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં મળીને કુલ રૂ. 20 હજાર અને ધોરણ 11 અને 12 માં મળીને કુલ રૂ. 30 હજારની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય દર મહિને લાભાર્થીના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. જેમાં દર મહિને ધો. 9-10માં રૂ. 500 અને ધો. 11-12માં રૂ.750 આપવામાં આવે છે જ્યારે, બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અથવા આર.ટી.ઇ. હેઠળ ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ સુધીની હોય તેવી તમામ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકારે આ યોજના થકી રાજ્યની લાખો દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો સંકલ્પ લીધો છે. ’બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંકલ્પને સાકાર કરતી આ યોજના, માત્ર આર્થિક સહાય નથી, પરંતુ રાજ્યની નારીશક્તિના આત્મસન્માન અને ઉચ્ચ શિક્ષણના માર્ગને પ્રકાશિત કરતી મશાલ છે. રાજ્યની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે દીકરીઓના આત્મસન્માન અને વધુ સારું ઉચ્ચ શિક્ષણ આપવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ’નમો લક્ષ્મી યોજના’ અમલી બનાવાઈ છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક કારણોસર કોઈ પણ દીકરીએ શિક્ષણ છોડવું ન પડે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવાઈ છે.
સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો દિકરીઓને મળે છે લાભ
- Advertisement -
પોર્ટલ દ્વારા સહાયની રકમ સીધી જ વિદ્યાર્થી કે તેમની માતાના બેંક ખાતામાં જમા થાય છે
આ યોજનાના સુચારૂ સંચાલન માટે ’નમો લક્ષ્મી પોર્ટલ’ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. પોર્ટલ દ્વારા સહાયની રકમ સીધી જ વિદ્યાર્થીનીના અથવા તેની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ધોરણ 9 થી 12માં ભણતી તમામ વિદ્યાર્થિનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (ઈઝજ)માં થતી હોય છે, જેની સમગ્ર વિગતોને નમો લક્ષ્મી પોર્ટલ પર લઇ જવામાં આવે છે. સંબંધિત શાળાઓના વર્ગ શિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ પર સિલેક્ટ કરે એટલે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થિનીઓનો ડેટા તેમાં જોવા મળે છે, જેમાં વર્ગ શિક્ષકો વિદ્યાર્થિનીના આધારકાર્ડ, શાળાનું આઈકાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક ખાતાની પાસબુકની નકલ, જન્મતારીખનો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની વિગતો દાખલ કરે છે. આ વિગતો વર્ગ શિક્ષકે વિદ્યાર્થિનીના માતા-પિતા પાસેથી મેળવવાની રહે છે. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહેલામાં વહેલી તકે ચકાસણી પૂરી કરીને જુલાઇ માસમાં જૂન અને જુલાઇની સહાયની રકમ એકસાથે વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે-તે મહિનાની 10 તારીખ સુધીમાં સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. યોજના શરૂ થયાના ટૂંકા ગાળામાં જ સરકારે 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાયની સફળતાપૂર્વક ચૂકવણી કરી છે.



