211ના ટાર્ગેટ સામે હૈદરાબાદના 149/7 : વિલિયમ્સનની વિકેટ અંગે વિવાદ
રાજસ્થાન રોયલ્સે આઇપીએલની 15મી સિઝનમાં જીત સાથે શરૂઆત કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતુ. કેપ્ટન સેમસનની પાંચ છગ્ગા અને 3 ચોગ્ગા સાથેની 27 બોલમાં 55 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ પડિક્કલના 29 બોલમાં 41 રનની મદદથી રાજસ્થાને છ વિકેટે 210 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જે આ સિઝનનો સર્વોચ્ચ સ્કોર હતો. જવાબમાં હૈદરાબાદનો ધબડકો થયો હતો અને તેઓએ માત્ર 9 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. જે પછી તેઓ સાત વિકેટે 149 રન નોંધાવી શકતાં 61 રનથી હાર્યા હતા.
211ના ટાર્ગેટનો ચેઝ કરવા ઉતરેલા હૈદરાબાદે બીજી જ ઓવરમાં વિલિયમસન (2)ની વિકેટ ગુમાવી હતી. પ્રસિધ ક્રિશ્નાની બોલિંગમાં બોલ સેમસનના ગ્લોવ્ઝમાંથી બહાર નીકળી ગયો હતો અને ફર્સ્ટ સ્લીપમાં પડિક્કલે આગળ ડાઈવ લગાવતા કેેચ ઝડપ્યો હતો. જોકે બોલ ગ્રાઉન્ડ પર બાઉન્સ થઈ ગયો હોય તેવું લાગતું હતુ. રીવ્યુમાં થર્ડ અમ્પાયરે પણ વિલિયમસનને આઉટ જાહેર કરતાં હૈદરાબાદને ફટકો પડયો હતો. જે પછી માર્કરામ (57*) અને સુંદરે (40) લડત આપી હતી, પણ તે ટીમને જીતાડી શક્યા નહતા. પ્રસિધ ક્રિશ્નાએ 16 રનમાં અને બોલ્ટે 23 રનમાં 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલે 22 રનમાં ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા.
- Advertisement -
અગાઉ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. બટલર (35) અને જયસ્વાલ (20)ની જોડીએ 37 બોલમાં 58 રન જોડયા હતા. શેફર્ડે જયસ્વાલ અને ઉમરાન મલિકે બટલરને આઉટ કર્યા હતા. જે પછી સેમસન અને પડિક્કલની જોડીએ માત્ર 41 બોલમાં 73 રનની ભાગીદારી કરતાં રાજસ્થાનને જંગી સ્કોર તરફ અગ્રેસર કર્યું હતુ.
ઉમરાન મલિકે પડિક્કલ (41)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે ભુવનેશ્વરે સેમસનને સમદના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. હેતમાયર અને રિયાન પરાગે માત્ર 19 બોલમાં જ 44 રન ફટકારતાં ટીમના સ્કોરને 200ને પાર પહોંચાડી દીધો હતો. હેતમાયરે 13 બોલમાં 3 છગ્ગા અને બે ચોગ્ગા સાથે 32 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી ઉમરાન મલિક અને ટી.નટરાજને 2-2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : હરિચરણદાસ બાપુનું મહાપ્રયાણ
https://khaskhabarrajkot.com/2022/03/29/mahaprayana-of-haricharandas-bapu/