બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી અન્ય ત્રણની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં NEET કૌભાંડ મામલે નોંધાયેલ ફરિયાદમાં ડીસીબીએ આજે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે વિપુલ તેરૈયા બાદ આજે રોયલ એકેડમીના સંચાલક રાજેશ પેથાણીની ધરપકડ કરી બન્નેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બન્નેના 5 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જે પૈકી 2 આરોપીઓ ઝડપાઇ જતા ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગે જેતપુરમાં અમરનગર રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં તુષારભાઈ અરવીંદભાઈ વેકરીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં તેમનો દિકરો દ્રિજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ રોયલ એકેડમીમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને તેને એમબીબીએસ હોમ્યોપેથી આયુર્વેદીક મેડિકલ એન્ટ્રેસ (NEET ) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હોય જે બાબતે રોયલ એકેડમી સ્કુલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરેલ હતી, તેઓએ વાત કરેલ કે, એવા એક ભાઈને હું ઓળખુ છુ, જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનું કામ કરી આપે છે.
જેમના માટે રૂ. 60 લાખ થશે તેમ વાત કરી રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરાવેલ અને ધવલને કહેલ કે, મારાથી આટલા બધા રૂપિયા થઇ શકે તેમ નથી, તો તેમને કહેલ કે, તમે અત્યારે દશ લાખ રૂપિયાની સગવડતા કરી રાખો બાદમાં વધ ઘટ હુ મારી રીતે જોઇ લઇશ. જેથી ફરીયાદીએ દીકરાના ભવિષ્યને લઇ રૂપિયા આપવાનુ નકકી કરેલ અને રાજેશ પેથાણીને રાજકોટમાં એપ્રીલ-2024 ના પ્રથમ વિકમાં રૂ.10 લાખ રોકડા આપેલ અને મહિનાના છેલ્લા વિકમાં રૂ. 20 લાખ રાજેશ પેથાણીને રાજકોટ ખાતે રોકડા આપેલ હતા. તેઓએ રાજેશ પેથાણી મારફતે ધવલ સંધવીને પોતાના દીકરાને એમબીબીએસની એન્ટ્રેસ (NEET ) પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે કુલ રૂા.30 લાખ આપેલ હતા.
આ સારા માર્ક માટે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત કરેલ હોય અને તેઓના કહેવા મુજબ દિકરાનું બેલગાવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવે એટલે મેડિકલ એન્ટ્રેસ (ગઊઊઝ) પરીક્ષા ફોર્મ ભરેલ ત્યારે બેલગાવનું કરન્ટ એડ્રેસ બતાવેલ હતું, જેથી પરીક્ષા સેન્ટર બેલગાવ આવેલ હતું.
વર્ષ 2024 મેડિકલ એન્ટ્રેસ (NEET ) પરીક્ષા આપવા માટે દિકરા સાથે બેલગાવ ગયેલ પરંતુ ધવલની વાત ઉપર વિશ્વાસ ન આવતા દિકરાને તેની રીતે જ પરીક્ષા આપવા માટે સમજાવેલ હતો. તેમના દિકરાએ આ પરીક્ષા કોઈપણ સેટીંગ વગર તેમની જાતે પરીક્ષા આપેલ જેમાં તેને 460 માર્ક્સ આવેલ જેથી જે રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવી સાથે વાત થયેલ તે મુજબ કોઈ સેટીંગ થયેલ નહી અને દિકરાને સારા માર્ક આવેલ નહી, તેથી આ પરીક્ષામાં સારા માર્ક માટે રાજેશ પેથાણીને આપેલ રૂપિયા પરત માંગતા તેઓએ કહેલ કે, રૂપિયા તો ધવલને આપી દિધેલ છે.
- Advertisement -
જેથી ધવલ સાથે ફોનમાં વાત કરેલ અને રૂ. 30 લાખ પરત માંગતા મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ તેમ કહેલ પરંતુ ઘણો સમય થઇ ગયેલ પરંતુ રૂપિયા પરત આવેલ નહી. જે બાદ તેમાં વિપુલ તેરૈયા તેમજ તેના ભાઈ પ્રકાશ તેરૈયા નામ ખૂલેલ હતાં. ઉપરાંત રૂપિયા મનજીત જૈન જે કર્ણાટક બેલગાવનો છે તેમને આપેલ છે, કહીં ટોળકીએ છેતરપીંડી આચરી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો નોંધી પીએસઆઈ એ. એન.પરમાર અને ટીમે આરોપી વિપુલ તેરૈયાને દબોચી લીધા બાદ રોયલ એકડેમીના સંચાલક રાજેશ પેથાણીની પણ ધરપકડ કરવામાં આવી છે અને બંનેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયાં છે. તેમજ ફરાર ત્રણ આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, રાજેશ પેથાણીએ ફૂલ ચાર વાલીઓ પાસેથી નિટમાં સારા માર્ક મેળવવા માટે સેટિંગ કર્યું હતું અને એક વાલી પાસેથી રૂપીયા લીધાં હતાં.