રોકડ રકમ, સોનાં-ચાંદીની વસ્તુઓની હેરફેર રોકવા 79 ફલાઇંગ સ્કવોડ અને 89 સ્ટેટિક સર્વેલન્સ ટીમની બાજ નજર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થાય તે માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લામાં ગેરકાયદેસર રોકડ તથા સોના-ચાંદીની ચીજ વસ્તુઓની હેરફેર, ગેરકાયદેસર હથિયારોની હેરફેર તેમજ માદક પદાર્થોની હેરફેર થતી અટકાવવા માટે જિલ્લાઓમાં અગત્યના પોઇન્ટો પસંદ કરી તે જગ્યાઓ ઉપર રાઉન્ડ ધ ક્લોક શંકાસ્પદ જણાતા વાહનોનું ચેકીંગ કરવા માટે ચેક પોસ્ટ કાર્યરત છે.
જેમાં દેવભુમી દ્વારકા જિલ્લામાં 15, જામનગર જિલ્લામાં 24, મોરબી જિલ્લામાં 17, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 22 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 14 મળી રાજકોટ રેન્જના આ પાંચ જિલ્લામાં 91 ચેકપોસ્ટો કાર્યરત છે. જેમાં 338 પોલીસ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ફાળવવામાં આવેલ કુલ 79 ફલાઇંગ સ્કવોડ ટીમ (એફએસટી)ના 220 કર્મચારીઓ દ્વારા ટોલ ફ્રી નંબર ઉપર તેમજ પોલીસ ક્ધટ્રોલ રૂમ તરફથી મળતી આચાર સંહિતા ભંગની ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે 89 સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટી)ના 226 કર્મચારીઓ દ્વારા મોટી રોકડ રકમની હેરફેર તથા સોના-ચાંદીની વસ્તુઓની હેરફેર રોકવા માટે તેઓને મળતી માહિતી મુજબ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. આમ ઉપરોકત વિગતે રાજકોટ રેન્જ હસ્તકના દેવભુમી દ્વારકા જિલ્લામાં 30, જામનગર જિલ્લામાં 96, મોરબી જિલ્લામાં 68, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 88 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 56 પોલીસ કર્મચારીઓ મળી રાજકોટ રેન્જની ચેકપોસ્ટો ઉપર કુલ -338 પોલીસ કર્મચારીઓ ચેક પોસ્ટ ઉપર લોકસભા ચૂંટણી લક્ષી વાહનોનું ચેકીંગ કરવાની કામગીરી કરી રહ્યા છે.
7327 હથિયારો જમા લેવાયા
ચૂંટણીને લઈ પરવાનેદારોના હથિયારો જમા લેવા પોલીસે કામગીરી કરી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 905, જામનગર જિલ્લામાં 1870, મોરબી જિલ્લામાં 1221, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 1212 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 2872 મળી રાજકોટ રેન્જમાં કુલ 8080 હથીયાર પરવાનેદારો છે તેમાંથી 7327 લાયસન્સવાળા હથીયાર જમાં લેવામાં આવેલ છે. 9 હથીયાર પરવાનેદારોના હથીયારોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિમાં થયો હોય, તે જપ્ત કરવામાં આવેલ છે. ઉપરાંત 68 હથીયાર પરવાનેદારોના લાયસન્સ અલગ-અલગ કારણોસર જીલ્લા કલેકટર દ્વારા રદ કરવામાં આવેલ હતા. જ્યારે 676 હથીયાર પરવાનેદારોને હથીયારો જમાં કરાવવામાંથી મુક્તિ અપાઈ છે. એ મુજબ આ પાંચ જિલ્લામાં હવે કોઇ પણ પરવાનેદારનું હથિયાર જમાં લેવા પર બાકી નથી.