રોહિત શર્માએ રિટાયરમેન્ટના નિર્ણય અંગે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે T-20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી પરંતુ સંજોગો એવા બન્યા કે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી.
T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી રોહિત શર્માએ નિવૃત્તિ લઈ લીધી છે. રોહિતે 2007 T-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને હવે T-20 વર્લ્ડ કપ જીત્યાના 17 વર્ષ બાદ રોહિતે રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. રોહિતના નામે આ ફોર્મેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સિક્સ અને સૌથી વધુ સદી છે.
આ જીત બાદ સૌથી પહેલા વિરાટ કોહલીએ T-20 ઈન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી અને આના થોડા સમય બાદ રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાએ પણ T-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
- Advertisement -
રોહિત શર્માએ રિટાયરમેન્ટના નિર્ણય અંગે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે T-20માંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઈરાદો નથી, પરંતુ સંજોગો એવા બન્યા કે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી. ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે આ તેની છેલ્લી T-20 ઈન્ટરનેશનલ મેચ હતી. કેપ્ટને કહ્યું કે, આ ફોર્મેટને અલવિદા કહેવાનો આ સારો સમય છે. આ મને જોઈતું હતું, મને કપ જોઈતો હતો અને મને તે મળી ગયો.
રોહિત શર્માએ કહ્યું વાતચીત દરમિયાન કહ્યું, ‘મેં વિચાર્યું ન હતું કે હું T-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈશ પરંતુ સ્થિતિ આવી બની. મને લાગ્યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. વર્લ્ડકપ જીત્યા પછી અલવિદા કહેવાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે. જો કે હું ચોક્કસપણે IPL રમવાનું ચાલુ રાખીશ.’
રોહિત શર્મા હાલમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે તમામ T-20 વર્લ્ડ કપ રમ્યા છે. તે 2007 T-20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. ત્યારબાદ હવે 2024માં તેની કેપ્ટનશીપમાં ટીમે આ ટૂર્નામેન્ટ જીતી હતી. રોહિત શર્માએ તેની કારકિર્દીમાં કુલ 159 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 4231 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેના નામે સૌથી વધુ 5 સદીનો રેકોર્ડ પણ છે. રોહિતે T-20 ઈન્ટરનેશનલમાં કુલ 32 અડધી સદી પણ ફટકારી છે.