ભારતીય કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ રમી શકે છે
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મોડી રાત્રે પુત્રને જન્મ આપ્યો હતો. જો કે રોહિત કે રિતિકા દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
રોહિતે પોતાના બાળકના જન્મ માટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો. તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પણ પહોંચી શક્યો ન હતો. જો કે પુત્રના જન્મ બાદ માનવામાં આવી રહ્યું છે કે તે 22 નવેમ્બરથી શરૂ થનારી પર્થ ટેસ્ટમાં રમી શકે છે. રોહિતે 13 ડિસેમ્બર 2015ના રોજ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. 30 ડિસેમ્બર 2018ના રોજ રિતિકાએ દીકરી સમાયરાને જન્મ આપ્યો હતો. સમાયરા હવે 5 વર્ષની છે અને તેને એક ભાઈની ખુશી પણ મળી છે.
- Advertisement -
કે.એલ રાહુલ પણ પિતા બનવા જઈ રહ્યો છે
ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર રાહુલ જાન્યુઆરી 2025માં પિતા બની શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં વિરાટ કોહલી પણ બીજી વખત પિતા બન્યો હતો. તેમની પત્ની અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો.