બે બુકાનીધારી ઈસમો 25 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક બુધવારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં મોબાઈલની દુકાનમાં ગ્લાસ નંખાવા આવેલા બે બુકાનીધારી શખ્સો બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક બુધવારે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોબાઈલની દુકાન ધરાવતા મોન્ટુભાઈ ચુનીલાલ કાલરીયાની દુકાને મોબાઈલમાં ગ્લાસ નંખાવાના બહાને બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા. આ બંને ઈસમોએ મોબાઈલમાં ગ્લાસ નાખવાનું કહેતા દુકાનદારે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બંને શખ્સોએ કાચના દરવાજા બંધ કરી દુકાનદારને બંદૂક બતાવીને જેટલા હોય એટલા પૈસા આપી દેવા કહ્યું હતું. બુકાનીધારી લૂંટારુઓએ બંદૂક બતાવી નાણાં માંગતા દુકાનદારે ગલ્લામાં પડેલ અંદાજે 25 હજાર રૂપિયા જેટલી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
- Advertisement -
પોલીસે ગણતરીની કલાકોમાં બંને લૂંટારુઓને ઝડપી લીધા
આ ઘટનાની જાણ થતાં એએસપી, મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીની શોધખોળ આદરી હતી તે દરમિયાન ગણતરીની કલાકોમાં પ્રથમ ઉંચી માંડલ ગામ નજીકના એક ખેતરમાંથી મૂળ મધ્યપ્રદેશના નિમચ ગામના વતની અરુણ ચંદ્રકાન્ત ચંદેલ (ઉં.વ. 23) નામના શખ્સને ઝડપી લેવાયો હતો જ્યારે અન્ય બીજો આરોપી ખેતરના ઝાડી જંખરમાં છુપાયેલો હોવાની પોલીસને શંકા જતા પોલીસ અને ડોગસ્ક્વોડ સહિતની ટીમો દ્વારા બીજા આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
લૂંટમાં વપરાયેલી બંદૂક એર ગન હોવાનો ઘટસ્ફોટ !
આ દરમિયાન દુકાનમાંથી નાણાં લઈને લૂંટારુઓ બહાર નીકળતા જ દુકાનદારે લૂંટારૂઓને પથ્થર માર્યા હતા જેનાં પ્રતિકાર સ્વરૂપે લૂંટારુઓએ પણ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું દુકાનદાર જણાવી રહ્યા હતા પરંતુ દુકાનદારને બતાવવામાં આવેલ બંદૂક એર ગન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે ખરેખર ફાયરિંગ થયું છે કે પછી એર ગનથી દુકાનદારને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો તે મુદે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.