ટ્રકચાલકની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પાસે આવેલા ક્ધટેનર યાર્ડમાંથી ઘઉં ભરીને વાંકાનેર જઈ રહેલા ટ્રકને હળવદ મોરબી ચોકડી પાસે આશરે રાત્રીના બે વાગ્યાની આસપાસ ચારેક શખ્સોએ ઉભો રાખીને બોલાચાલી કરી ડ્રાઈવરને માર મારીને ટ્રકની લૂંટ ચલાવી ભાગી ગયા હતા ત્યારે લુંટારૂઓ માળીયા તરફ જતાં હતાં તે દરમિયાન કેદારીયા પાસે ટ્રક પલટી ગયો હતો જેમાં બે ઈસમો ઈજાગ્રસ્ત થતા હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસે ચાર આરોપીઓ સામે લુંટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
આ બનાવ અંગે ટ્રકચાલક ફિરોજભાઈ જુમાભાઈ જુણેજાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ જીજે 27 એક્સ 4235 નંબરનો ટ્રક લઈને જતા હતા જેમાં રહેલ ક્ધટેનરમાં 23 ટન ઘઉં ભરેલ હતા ત્યારે હળવદ માળિયા હાઇવે ઉપર પરિશ્રમ હોટેલ આગળ કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વીરલભાઈ શૈલેષભાઇ સોની અને અજાણ્યો એક શખ્સ કારમાં ધસી આવ્યો હતો અને તેઓ ટ્રક રોકાવીને લાફા મારી ગાળો આપી ઘઉં ભરેલ ક્ધટેનર મળી રૂ. 12 લાખના મુદ્દામાલની લૂંટ કરીને ટ્રક લઈને નાસી ગયા હતા.
લુંટારૂઓ ટ્રક લઈને માળીયા તરફ જતા હતા ત્યારે રસ્તામાં ટ્રકના બે ટાયરમાં ભડાકા થતા ટ્રક પલ્ટી મારી ગયો હતો જેથી બે શખ્સો તુરંત જ કાર લઈને ભાગી છૂટ્યા હતા પરંતુ બીજી કારમાં રહેલા અને ક્ધટેનરમાં રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જો કે આ ત્રણમાંથી બે આરોપીઓને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે એકને પોલીસ સ્ટેશન ખાતે રાખીને અટકાયત કરીને પોલીસે ટ્રકચાલકની ફરીયાદના આધારે ચાર શખ્સો સામે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.