રોકડ ન મળતા આરોપીએ ઓનલાઈન સ્કેનરથી પૈસા પડાવ્યા, હાઇવે પર આરોપીનો પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી બિહારી ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરી મારમારી છરીની અણીએ લૂંટ ચલાવવાના બનાવમાં નવો વળાક આવ્યો છે. લૂંટ ચલાવી આરોપી પોલીસથી બચવા હવાતીયા મારતો હતો ત્યારે જ માલિયાસણ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહેલ પોલીસને જોઈ ભાગવા જતાં આરોપીની કારનો અકસ્માત થયો અને કાર દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ બી. ડિવિઝન પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો કાદરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
લૂંટના બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન અપહરણ કરી ટ્રક ડ્રાઇવરને મારમારી લૂંટ ચલાવી નાસી છૂટનાર આરોપી કારમાં પોલિસથી બચવા માલિયાસણ ચોકડી તરફ જતો હતો ત્યારે ત્યાં વાહન ચેકીંગમાં રહેલ પોલીસને જોઈ કાર ભગાડતાં હાઈવે પર કાર પરનો કાબૂ ગુમાવતાં કાર સાઈડમાં ઉતરી જઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. તેમનો પીછો કરતી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીને અટકમાં લીધો હતો. જે અંગેની જાણ બી. ડિવિઝન પોલીસને થતાં પીએસઆઇ જે.આર.સોલંકી સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો અને આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો કાદરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બિહારના અરવાલ વિસ્તારમાં રહેતાં સતેન્દ્રકુમાર જીતન પાલ (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાળા કલરની વર્ના કારમાં આવેલ અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે લૂંટ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અરિહંત શિપીંગ નામના ટ્રાન્સપોર્ટમાં છેલ્લા દસેક વર્ષથી ટ્રક ડ્રાઈવિંગ કરી ભારતના તમામ રાજ્યોમાં ટ્રક ચલાવે છે. ટ્રાન્સપોર્ટની મેઈન ઓફીસ ગાંધીધામમાં, અમદાવાદ, અને મુંદ્રામાં આવેલ છે. શનિવારે રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ ટ્રાન્સપોર્ટના માલીકે ગાંધીધામથી બાબરા જીનીંગ મીલમાં કપાસ ભરવા માટે મોકલેલ હતો.
આરોપી બે મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે
પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેરમાં 2 તેમજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાઈ ચુક્યો છે જે ગુનામાં બે મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી પોલીસે વરના કાર પણ કબ્જે કરી છે અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ અર્થે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.