મનપા તંત્રના ધણીધોરી વગરના આયોજનના લીધે રસ્તા તૂટે છે અને વરસાદને વિલન બનાવી દે છે
ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ સિટી ગણાતા રાજકોટમાં દર વર્ષે ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય છે અને મહાનગરપાલિકા થૂંકના સાંધા કરી ગાડુ ગબડાવે છે. દર વર્ષે મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી જાય છે અને મનપાના સત્તાધીશો અને અધિકારીઓ વરસાદને વિલન બનાવી દે છે. ખરેખર મનપા તંત્રના આયોજનમાં જ ખામીઓ છે. ગમે તેટલો વરસાદ ભલેને પડે તંત્રનું આયોજન હોય તો રસ્તાને કંઈ ન થાય. દર વર્ષે મસમોટા ખાડા પડી જાય તેમાં પાણી ભરાય જાય પછી જ બધાને બ્રહ્મજ્ઞાન થાય. ત્યારબાદ જ મ્યુનિ. કમિશનર રસ્તાની મુલાકાત લઈને રસ્તા બુરવાનું કામ શરૂ કરે. જ્યારે ખબર જ છે કે, વરસાદ આવશેને રસ્તા તૂટશે તો પહેલા જ કેમ રસ્તા પર સમથળ નથી કરાતા અને દર વખતે વરસાદના જ ખંભે બંદૂક રાખીને ગોળી ફોડે.
- Advertisement -
મુખ્ય રસ્તાઓ સોસાયટી, શેરીઓમાં ડામર રોડ ઉખડી ગયા છે મસમોટા ખાડા પડી ગયા છે. જ્યારે હવે મનપા તંત્રએ મેટલથી રસ્તા પરના ખાડા ખાડા બુરવાના શરૂ કર્યા છે.જોકે હવે મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્રણ કે પાંચ વર્ષ સુધી કંઇ પણ ન થવુ જોઇએ અને જો રોડ ધોવાણ થઇ જાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેરિંગ કરવાનું રહેશે તેવી શરત સાથે મનપાએ કહેવાતા ગેરેન્ટેડ રોડ બનાવ્યા છે. આવા રોડ પણ વરસાદમાં ધોવાઇને હાડપીંજર થઇ ગયા છે.