ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
લખતરમાં ગઢ ફરતે ₹1.5 કરોડના ખર્ચે બનનારા સરાઉન્ડિંગ રોડનું ખાતમુહૂર્ત એકાદ મહિના અગાઉ ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે, ન્યાયાલય પાસેથી શરૂ થયેલી આ રોડ બનાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી અને છેલ્લા 15 દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રોડ પર મોટા કપચા પાથરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો સહિત ન્યાયાલયના કર્મચારીઓ અને બી.આર.સી. ભવનના કર્મચારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ રસ્તા પર પીએમ જુગતરામ દવે પે.સેન્ટર શાળા આવેલી હોવાથી સાયકલ લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ કપચાના કારણે મુશ્કેલી પડી રહી છે. હાલમાં ચાલતી ચૂંટણીની કામગીરીમાં મતદારો અને તપાસ માટે આવતા અધિકારીઓને પણ આ ખરાબ રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે, એકાદ મહિના પહેલાં ખાતમુહૂર્ત થયા છતાં કામગીરીમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી પુન: શરૂ કરવામાં આવે અને સમયસર રોડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવે.
લખતરમાં 1.5 કરોડના ખર્ચે બનનાર રોડનું કામ ગોકળગાયની ગતિએ, લોકોમાં ભારે રોષ



