બોરવાવ ગીર ગામનો લુણેશ્વર મહાદેવ મંદિરથી સ્ટેટ હાઇવે ને જોડતો માર્ગ દશ ગામની ગ્રામીણ પ્રજા માટે આશીર્વાદરૂપ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
- Advertisement -
તાલાલા તાલુકાનું મોટું-સમુદ્ધ અને પ્રવાસીઓનાં પ્રવાહથી ધમધમતું બોરવાવ ગીર ગામનો સાસણ-મેંદરડા જતા સ્ટેટ હાઈવે ને જોડતો માર્ગ સાવ ખલાશ થઈ ગયો હોય માર્ગ ઉપરથી પસાર થવું કઠીન બનતા ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો ત્રાહીમામ થઈ ગયા છે.
આ વિસ્તારની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો વતી આપેલ પ્રેસ યાદીમાં બોરવાવ ગીર ગામના પૂર્વ સરપંચ ગોકળભાઈ પાઘડારે આપેલ વિગત પ્રમાણે બોરવાવ ગીર ગામથી લુણેશ્વર મહાદેવ તરફ જતો બે કિ.મી માર્ગ સાસણ-મેંદરડા સ્ટેટ હાઇવે ને જોડે છે.આ માર્ગ ઉપરથી સાસણગીર,મેંદરડા,જુનાગઢ તરફ જવા આવવા બોરવાવ ગીર વિસ્તારના દશ ગામની ગ્રામીણ પ્રજા માટે આશીર્વાદરૂપ છે.બોરવાવ ગીર ગામનો આ માર્ગ સાવ ખલાશ થઈ ગયો છે.અમુક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયાં છે.આ માર્ગની મરામત થઈ શકે નહીં તેટલી હદે સાવ ખલાશ થઈ ગયો છે માટે માર્ગ ઉપરથી પસાર થવું ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે કઠીન બની ગયું છે.મંજુર થયેલ આ માર્ગ નવનિર્મિત બનાવવા બાંધકામ વિભાગના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ બાંધકામ વિભાગના બાબુઓ લોક રજુઆત કચરા ટોપલીમાં નાખી દેતા હોય ગ્રામીણ પ્રજામાં ભારે રોષ જોવા મળે છે.
બોરવાવ ગીર તથા તાલાલા તાલુકાનાં દશ ગામની ગ્રામીણ પ્રજા તથા આ વિસ્તારમાં આવતાં અગણિત પ્રવાસીઓ માટે અતિ ઉપયોગી આ માર્ગ સ્ટેટ હાઇવે થી માત્ર બે કિ.મી દુર છે છતાં પણ બાંધકામ વિભાગ મંજૂર થયેલ માર્ગ નવનિર્મિત બનાવવા આળશ રાખી ગ્રામીણ પ્રજાને હળાહળ અન્યાય કરી રહ્યું છે.માત્ર બે કિ.મી માર્ગ નવનિર્મિત બનાવવામાં આવે તો દશ ગામની ગ્રામીણ પ્રજા તથા આ વિસ્તારમાં આવતા પર્યટકો ની સમસ્યા ભુતકાળ બની જાય તેમ હોય આ વિસ્તારના લોકસેવકો તુરંત ઘટતું કરી ગ્રામીણ પ્રજાને યોગ્ય ન્યાય અપાવે તેવી પૂર્વ સરપંચ ગોકળભાઇ પાઘડારે માંગણી કરી છે.
માર્ગ બનાવવા સરકારે ગ્રાન્ટ સાથે મંજૂરી આપી છે
બોરવાવ ગીરથી લુણેશ્વર મહાદેવ થઈ સાસણ ગીર,મેંદરડા,જુનાગઢ સ્ટેટ હાઇવે ને જોડતો બે કિ.મી માર્ગ નવનિર્મિત બનાવી ગ્રામીણ પ્રજાની સમસ્યા દૂર કરવા સરકારે જરૂરી ગ્રાન્ટ સાથે મંજૂરી આપી છે છતાં પણ માર્ગ બનાવવા સત્તાવાળાઓ ગલ્લા તલ્લા કરી ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને ખાડા વાળા માર્ગ ઉપર થી પસાર થવા મજબુર કરતાં હોય પ્રજા વિરોધી જવાબદાર સત્તાવાળાઓ સામે ભારે લોક રોષ ભભુકી ઉઠયો છે.



