જનરલ બોર્ડમાં આતંકી હુમલાના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ
વશરામ સાગઠિયા અધ્યક્ષની સામે રજૂઆત કરવા જતાં મામલો ગરમાયો
- Advertisement -
TRP ગેમઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય મુદે રજૂઆત કરતા હોબાળો
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની સામાન્ય સભા આજે ભારે હોબાળા વચ્ચે શરૂ થઈ હતી. સભાની શરૂઆત જ ગમગીન માહોલમાં થઈ જ્યારે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભાના સભ્યોએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બાદમાં સભામાં એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદી કેમ્પો પર કરવામાં આવેલી સફળ સ્ટ્રાઈકને લઈને સભાના તમામ સભ્યોએ એકી અવાજે અભિનંદન પાઠવ્યા.
મેયરે જણાવ્યું કે, આ કાર્યવાહી દેશની સુરક્ષા માટે જરૂરી હતી અને તેનાથી આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જો કે, સભામાં ગરમાવો ત્યારે આવ્યો જ્યારે વિરોધ પક્ષના સભ્યો હાથમાં TRP ગેમઝોનના પ્લે કાર્ડ લઈને પહોંચ્યા. 1 વર્ષ પૂર્વે થયેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો, જેમનો આ મુદ્દે વિરોધ કરવા બદલ અગાઉ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તેઓ પણ આજે છૂટ્યા બાદ સીધા જ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા.
મેયરે કોંગ્રેસના શરૂઆતમાં સભ્યોને શાંતિ જાળવવા અને સભાખંડની મર્યાદાનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈ સભ્ય પાસે હાથમાં કાગળ હોય તો તે લઈ લેવામાં આવશે. જો કે, પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા ચાલુ બોર્ડમાં અધ્યક્ષની પાસે જઈને TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા. તેમણે લેખિતમાં પોતાની રજૂઆત રજૂ કરતા જણાવ્યું કે, ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી જવાબદાર પદાધિકારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે આ બાબતે ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી. ત્યારે મેયરે વશરામ સાગઠિયાને બોર્ડની ગરિમા જાળવવા અને નિયમોનું પાલન કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે આ મુદ્દે તેઓ સભા પછી રૂબરૂ મળીને વાત કરી શકે છે. જો કે, વિરોધ પક્ષના નેતા ચાલુ સભામાં જ પોતાની રજૂઆત પર અડગ રહ્યા, જેના કારણે મેયરે તેમને કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જોકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે સમજાવટ કરતા સાગઠિયા ફરી પોતાના સ્થાને બેસી ગયા હતા.
- Advertisement -
થોડીવાર બાદ સાગઠિયા દ્વારા ફરીથી ચાલુ બોર્ડમાં જ હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ ટીપી સ્કીમમાં થનારા બદલાવ અંગે સવાલો ઉઠાવી તેનો જવાબ દેવા મેયરને અપીલ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, તમારા ભાજપના વખાણ અમારે સાંભળવા જ નથી. જેને લઈને ભાજપનાં કોર્પોરેટરોએ કડક પગલાં લેવાનું જણાવતા જ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું ખોટો હોવ તો મારા ઉપર ફરિયાદ દાખલ કરો. જો મરદનાં દીકરા હોય તો મારા ઉપર FIR દાખલ કરો બાકી મારો વારો આવશે ત્યારે ફીણ કાઢી નાખીશ, હું વશરામ સાગઠિયા છું મારી સામે આવવું નહીં. હું પ્રજાના પ્રશ્ર્નો અંગે વાત કરું છું.
ત્યારબાદ મેયરે બોર્ડ પોતાની ચેમ્બરમાં જઈ રજૂઆત કરવાનું જણાવતા તેઓ સ્થાન ઉપર બેસી ગયા હતા. જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ સાગઠિયા મેયર ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ટીઆરપી અગ્નિકાંડ તેમજ મનપા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવી મેયરને કમિશનર પાસે કામ કરાવવા અપીલ કરી હતી. આ રજૂઆત સાંભળી મેયર નયના પેઢડિયાએ તમામ મુદ્દે તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જેને લઈને વશરામ સાગઠિયા ત્યાંથી પરત ફર્યા હતા.
આ તકે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ભાજપ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા કરવાની હોય છે. જેને લઈ મેં આ માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ મેયર દ્વારા બોર્ડમાં મને બોલવા દેવામાં આવ્યો નહોતો. અને અમે વિરોધ માટે જે બેનરો લાવ્યા હતા તે પણ લઈ લેવામાં આવ્યા હતા. જોકે જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ મેયરને મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં ટીઆરપી કાંડ અને પ્રિમોન્સૂન કામગીરી વિશે જણાવ્યું છે અને મેયરે આ બંને બાબતે તપાસ કરી જવાબ આપવાની ખાતરી આપી છે. મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, આજરોજ દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક હતી. જેમાં નિયમ મુજબ પ્રશ્ર્નો લેવામાં આવ્યા હતા, પરંતુ ભાજપ નગર સેવકનાં પ્રશ્ર્નનો જવાબ કમિશ્નર આપી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના વશરામ સાગઠિયા વચ્ચેથી પોતાની રજૂઆત કરવા આવતા તેને રોકવા પડ્યા હતા. આવું કરવાથી બોર્ડની ગરીમાં જળવાતી નથી. જનરલ બોર્ડમાં કોઈ કોર્પોરેટરો વચ્ચેથી પ્રશ્ર્નો પૂછી શકતા નથી. પ્રશ્નનો ક્રમ અગાઉથી જ નક્કી હોય છે છતાં વશરામ સાગઠિયાએ વચ્ચેથી પ્રશ્ર્ન કરતા મારે તેમને રોકવા પડ્યા હતા. તેઓએ અત્યાર સુધી ક્યારેય મારી ચેમ્બરમાં કોઈ રજૂઆત કરી નથી અને આજે ચાલુ બોર્ડમાં હોબાળો કર્યો હતો. જે યોગ્ય નથી.
બીજી તરફ જનરલ બોર્ડમાં ધગધગતા સવાલો કરનાર નેહલ શુક્લે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડમાં પ્રજા હિત માટેના સવાલો કરવાના હોય છે. લોકોને ફાયરના ગઘઈ લેવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હોવાનું ધ્યાનમાં આવતા મેં આ માટેની સમગ્ર પ્રક્રિયા અંગેનો સવાલ કર્યો છે. તેમજ રૂ. 20 લાખથી વધુ રકમના જેટલા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હોવાની વિગતો માંગવામાં આવી છે. જોકે આ બંને બાબતે પોતાને ભ્રષ્ટાચારની કોઈ આશંકા હોવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. તેમજ માત્ર અભ્યાસ માટે આ પ્રશ્ર્નો પૂછ્યા હોવાનો બચાવ કર્યો હતો.