દર 3 મહિને જિયો ટેગિંગના માધ્યમથી વાલીને પ્રોગ્રેસ રિપોર્ટ આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં શહેરમાં જન્મ લેનાર દરેક બાળકનાં નામનું એક વૃક્ષ રોપવાનો નિર્ણય લેવાયો હતો. ગઈકાલે(2 જુલાઈ) મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે બર્થ સર્ટિફિકેટ લેવા આવનાર વાલીને બાળકના નામનું વૃક્ષ રોપવાની જાણકારી આપવામાં આવશે. તેમજ દર ત્રણ મહિને જીયો ટેગીંગ માધ્યમથી જે-તે બાળકના પરિવારને આ વૃક્ષના વિકાસ અંગેની જાણ પણ કરવામાં આવશે. દરવર્ષે અંદાજીત 30-35 હજાર વૃક્ષોનું રોપણ અને જાળવણી આ યોજનામાં કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટમાં દરવર્ષે 30-35 હજાર બાળકો જન્મ લે છે. આ તમામ બાળકોનાં નામનું એક વૃક્ષ રોપવામાં આવતા હવે દરવર્ષે ઓછામાં ઓછા 30-35 હજાર નવા વૃક્ષો રોપવામાં આવશે. બજેટમાં મારા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકનાં નામ સાથે એક વૃક્ષ વાવવામાં આવશે. રાજકોટમાં હાલ પ્રતિવર્ષ 30થી 35,000 બર્થ સર્ટીફીકેટ ઇશ્યુ થાય છે. આ બર્થ સર્ટીફીકેટ સાથે જ બાળક અને બાળકીના નામનું એક વૃક્ષ મનપાનાં ભાજપનાં શાસકો દ્વારા રોપવામાં આવશે. એટલું જ નહીં તેનું જતન પણ અમારા દ્વારા કરવામાં આવશે.
- Advertisement -
વધુમાં તેમણે જણાવ્યું કે જીયો ટેગીંગનાં માધ્યમથી બાળકના પરિવારને જાણ કરવામાં આવશે કે કઈ જગ્યા ઉપર તેમના બાળકના નામનું વૃક્ષ રોપાયું છે. એટલું જ નહીં દર ત્રણ મહિને પરિવારને આ વૃક્ષનાં વિકાસ અંગે જાણકારી આપવામાં આવશે.



