સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ પુષ્પ-ખાદીના રૂમાલ વડે ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોનું સ્વાગત કર્યું તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.12/03/2025 બુધવારના રોજ હોળી-ધુળેટી પર્વની ઉજવણી અંતર્ગત ‘હિન્દી હાસ્ય કવિ સંમેલન’ હોલી કે રંગ હાસ્ય રંગ કે સંગ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 08:30 કલાકે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, એચ.આર. પટેલ, મનપાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ હોળી-ધુળેટીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ‘હોળી-ધૂળેટી’ના પાવન પર્વનાધાર્મિક મહત્વની સાથોસાથ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. ધૂળેટીનો તહેવાર સામાજીક મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ કાર્યક્રમના ઉદઘાટક ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાની સાથે સાથે મનોરંજન પણ પીરસે છે તે બદલ રાજકોટ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવું છું. હોળી-ધુળેટી અંતર્ગત રાજકોટની પ્રજા માટે કરવામાં આવેલ હિન્દી હાસ્ય કવિ સંમેલન કાર્યક્રમ બદલ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું. ત્યારબાદ શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા કરવામાં આવ્યું, પુષ્પ અને ખાદીના રૂમાલ વડે ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોનું સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કરી હતી.
આ હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ હાસ્ય રસ કે સંગમાં કવિઓ સુરેશ અલબેલા (મુંબઈ-મહારાષ્ટ્ર)લાફ્ટર ચેમ્પિયન, મુન્ના બેટરી (મંદસૌર-મધ્ય પ્રદેશ)લાફ્ટર જેનરે.(શૈલી), મનોહર મનોજ (કટની-મધ્ય પ્રદેશ) હાસ્ય સમ્રાટ, ખુશ્બુ શર્મા (ન્યુ દિલ્હી)કવિતા અને ગઝલ, હિમાંશુ બવંડર (ઉજ્જૈન-મધ્ય પ્રદેશ)લાફ્ટર જેનરે.(શૈલી), સુમિત મિશ્રા (ઓરછા-મય પ્રદેશ)દેશભક્તિ, વીરરસ વગેરેએ પોતાની વાણીથી શ્રોતાઓને હાસ્યની છોળો સાથે અવનવી કવિતા પીરસી અને હસાવ્યા હતા. રેસકોર્ષ ખાતે યોજાયેલ હિન્દી હાસ્ય કવિ સંમેલન હોલી કે રંગ હાસ્ય રસ કે સંગમાં શહેરીજનો, યુવાઓ અને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કાર્યક્રમ માણ્યો હતો.