75% દર્દીના મોત થતા હોવાથી આરોગ્ય કેન્દ્રોનાં શંકાસ્પદ કેસને તુરંત સિવિલમાં રીફર કરવા આદેશ
ગ્રામ્ય વિસ્તારમાંથી 2 પોઝિટિવ કેસ સામે આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે જ રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1 દર્દીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક બાળક હાલ સારવાર હેઠળ છે. જો કે, શહેરી વિસ્તારમાંથી હજુ કોઈ કેસ સામે આવ્યો નથી. આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાંથી 2 પોઝિટિવ કેસ સામે આવતા કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. આ રોગમાં 75% દર્દીના મોત થતા હોય આરોગ્ય કેન્દ્રોમાં આવતા શંકાસ્પદ દર્દીઓને તુરંત સિવિલમાં રીફર કરવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના અને મુખ્યમંત્રીનાં આદેશને લઈને ચાંદીપુરા વાઈરસનાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં વાઈરસ કઈ રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે તેનાથી લોકો માહિતગાર થાય તે માટેની એડવાઇઝરી અગાઉ જાહેર કરવામાં આવી હતી. સૌપ્રથમ જાણીએ કે આ વાયરસ શું છે ? ચાંદીપુરા વાઈરસનો સૌપ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુરમાં જોવા મળ્યો હતો. આદિવાસી વિસ્તારમાં આ વાઈરસનાં કેસો જોવા મળી રહ્યા છે.
આ વાઈરસ સેન્ડફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે. આ માખી માટીનાં ઘરો કે લીપણથી બનેલા ઘરની તિરાડોમાંથી વાઈરસ ફેલાવે છે. આ માખી સંક્રમિત વ્યક્તિને કરડ્યા બાદ કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે ત્યારે તે પણ સંક્રમિત બને છે. સામાન્ય રીતે 0થી 14 વર્ષ સુધીના બાળકો આ વાઈરસનો ભોગ બને છે. 14 વર્ષ બાદ આ વાઈરસ સામે લડવાની ઇમ્યુનિટી ડેવલોપ થઈ જતી હોય મોટી વ્યક્તિ પર તેની ખાસ અસર થતી નથી.
- Advertisement -
ચાંદીપુરા વાઈરસનાં લક્ષણો અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે, ચાંદીપુરા વાઈરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાઈરસ મોટાભાગે 14 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં જોવા મળે છે. આ વાઈરસ ખૂબ જ જીવલેણ છે અને લગભગ 75% દર્દીઓનાં મોત થાય છે. ત્યારે વાઈરસથી સંક્રમિત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે.
આ વાઈરસનો મૃત્યુદર 75% જેટલો ઊંચો હોવાને લઈ રાજ્ય સરકાર ચિંતિત છે અને ચાંદીપુરા વાઈરસને વધુ ફેલાતો અટકાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારમાંથી આ વાઈરસના કેસો ઓછા સામે આવતા હોવા છતાં પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અનુસરી તમામ જિલ્લાના અને મનપાના આરોગ્ય અધિકારીઓને અટકાયતી પગલાં લેવાની સૂચના આપી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દરેક મેડિકલ ઓફિસરો, પંડિત દીન દયાલ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસરોને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.