સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી
દેખાય તો તરત જ આવશ્યક પગલાં સહિતની કામગીરી કરવાનું આયોજન
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પગલાંઓ જુદાજુદા મોરચે યુધ્ધના ધોરણે અલગઅલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની જુદીજુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં સહિતની કામગીરીનું આયોજન કરવા માટે કોવિડ કોર્ડિનેટર નિયુક્ત કરવા હુકમ કરવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
- Advertisement -
વર્તમાન સમયમાં નાગરિકો જેટલી વધુ કાળજી રાખે એટલું કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી કોવિડ કોર્ડિનેટરની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવેલ છે તેમ જણાવી મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં જો કોઈને પણ શરદી કે તાવ હોય તો તુર્ત જ કોવિડ કોર્ડિનેટર દ્વારા મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસરને જાણ કરવામાં આવશે. જેના માધ્યમથી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ મારફત જરૂરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત જે કોઈ દર્દીને કોરોનાના પોઝિટિવ લક્ષણ દેખાય તો તેની છેલ્લા ૧૪ દિવસની હિસ્ટ્રીની તપાસ કરી આવશ્યક એવા તમામ પગલાં લઇ શકાય.
વિશેષમાં જે તે સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ કે અન્ય ઈમારતોમાં રહેતા કે વ્યવસાય કરતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે, ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ થાય અને લોકો સતત જાગૃત રહી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સહભાગી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે.