અન્ડર બ્રિજમાં 4 મહિનામાં 54 લાખનાં ખર્ચે રીપેરિંગ કામ કર્યું પણ સમસ્યા યથાવત્
સાઈડમાંથી આવતું પાણી રોકવા જઇએ તો દીવાલ નબળી પડી જાય : એન્જિનિયર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં વોર્ડ નં.3ના રેલનગરમાં જવા માટે 2017માં મનપા દ્વારા રૂ. 17 કરોડનાં ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે તેમાં વગર વરસાદે પણ પાણી ભરાવાની સમસ્યા કાયમી બની હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા ગતવર્ષે મહાપાલિકાએ તેનું રોપેરીંગ કામ રૂ. 54 લાખના ખર્ચે કર્યું હતું. આ માટે અઢી મહિના સુધી બ્રિજમાં અવરજવર પણ બંધ કરવામાં આવી હતી જોકે આ 54 લાખ રૂપિયા પાણીમાં ગયા હોય તેમ હાલ પણ વગર વરસાદે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નહીં છતાં આ બ્રિજમાં પાણીની નદીઓ વહી રહી છે. જેને લઈને તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ મામલે મનપાના એન્જિનિયરે કહ્યું હતું કે, જમીનમાંથી આવતું પાણી બંધ કરવા કામગીરી કરવામાં આવી હતી. સાઈડમાંથી જે પાણી આવે છે તે બંધ કરીએ તો દીવાલ નબળી પડી જાય. રાજકોટનાં રેલનગર તેમજ તેની આસપાસના વિસ્તારમાં 1 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. વિસ્તારના લોકોને બહાર અવરજવર કરવામાં સરળતા રહે તે માટે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં કોઈ ક્ષતિ રહી જતા વગર વરસાદે પાણી ભરાઈ જતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે મનપા દ્વારા આ સમસ્યા ઉકેલવા માટે પ્રેસર ગ્રાઉટિંગનું કામ કરવાનો નિર્ણય થયો હતો. અને ગત તા. 27 સપ્ટેમ્બર-2024થી બ્રીજ આ કામ માટે બંધ કરી રૂ. 54 લાખના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તા.27 નવેમ્બરે બ્રીજ ખુલ્લો મુકવામાં આવનાર હતો. જોકે કામ પૂર્ણ નહીં થતા 11 ડિસેમ્બર-2024નાં આ બ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન બ્રીજમાં પાણી ન ભરાય તે માટેની તમામ વ્યવસ્થા કર્યાનો દાવો મનપા તંત્રએ કર્યો હતો.
જોકે મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને હજુ એક ચોમાસુ વીત્યું ત્યાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. અને ત્રણ દિવસથી રાજકોટમાં એક ટીપું વરસાદ ન પડવા છતાં અન્ડરબ્રીજમાં પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલું જ નહીં બ્રિજની નિયમિત સફાઈ પણ ન થતી હોવાના કારણે અહીં લીલ જામેલી જોવા મળી હતી. પાણી ભરાવા તેમજ લીલ જામવાને કારણે અહીં ફરી અકસ્માતોની સંખ્યા વધતી હોવાનું જણાવી સ્થાનિકોએ મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું જણાવ્યું હતું. ખુદ ડે. મેયર પણ આ વિસ્તારના હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નહીં હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2024માં સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર સુધી રેલનગર અન્ડરબ્રીજ વાહનો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેને લઈને આ વિસ્તારમાં રહેતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. છતાં હવે પાણી નહીં ભરાય તેવી આશાએ સ્થાનિકોએ આ હાલાકી ભોગવી હતી. ગત 11 ડિસેમ્બર-2024નાં આ અંડર બ્રિજનું નવીનીકરણ પૂર્ણ થતાં નવા રંગરૂપ અને સુંદર ચિત્રકામ સાથે બ્રિજને ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારે પણ લોકોએ જણાવ્યું હતું કે, હવે ચોમાસામાં પાણી ન ભરાય તો સારું. જોકે લોકોની તમામ આશા ઠગારી નીવડી છે. અને ચોમાસામાં તો આ બ્રીજમાં પાણી ભરાય જ છે. પરંતુ અગાઉની જેમ હજુ વિના વરસાદે પણ અહીં પાણીની નદીઓ વહે છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે ક્યારે અને શું પગલાં લેવાય છે તે તો આવનારો સમય જ બતાવશે.



