મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિવંગત વિલાસરાવ દેશમુખના પુત્ર અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા વિવાદમાં ફસાયા
અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખ હાલમાં એક વિવાદમાં આવ્યા છે. વાત જાણે એમ છે લે, લાતુરમાં તેમની એગ્રો-પ્રોસેસિંગ કંપની માટે 116 કરોડ રૂપિયાની લોન આપવામાં સહકારી બેંકો દ્વારા અનિયમિતતાના આરોપો બાદ આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિગતો મુજબ ગયા મહિને લાતુર જિલ્લાના ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, અગાઉની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર દરમિયાન એગ્રો-પ્રોસેસિંગ કંપની દેશ એગ્રો પ્રાઈવેટ લિમિટેડને તેમના વતન લાતુરમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પ્લોટ મળ્યો હતો.
- Advertisement -
શું કહ્યું ભાજપ નેતાએ ?
મહારાષ્ટ્રના સહકારી મંત્રી અતુલ સેવેએ કહ્યું છે કે, રાજ્યના ભાજપના નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કંપનીએ 4 ઓક્ટોબર, 2021ના રોજ પંઢરપુર અર્બન કોઓપરેટિવ બેંકમાંથી લોન માટે અરજી કરી હતી અને બેંકે 27 ઓક્ટોબરે 4 કરોડ રૂપિયાની લોન આપી હતી. કંપનીએ લાતુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પાસેથી લોન માટે અરજી કરી હતી અને 27 ઓક્ટોબરે બેંકમાંથી 61 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. 25 જુલાઈ, 2022ના રોજ બેંક તરફથી 55 કરોડ રૂપિયાની અન્ય લોન પણ મંજૂર કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રિતેશ દેશમુખની કંપનીને બેંકો તરફથી જરૂરી ધારાધોરણોનું પાલન કર્યા વિના ફંડિંગની મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે સહકારી મંત્રી સેવેએ કહ્યું કે, ભાજપના લાતુર જિલ્લા પ્રમુખ ગુરુનાથ મગેએ આ મુદ્દો ઉઠાવવા માટે પત્ર લખ્યો હતો. હું MIDC વિશે કંઈ જાણતો નથી, પરંતુ બેંક તરફથી કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે જાણવા માટે મેં તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ કહ્યું કે, સબ-ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ભંડોળની તપાસ કરશે અને શોધી કાઢશે કે લોન લેવા માટે જરૂરી પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી કે નહીં. તપાસમાં કોઈ ગેરકાયદેસર કામ થયું છે કે કેમ તે પણ તપાસવામાં આવશે. નોંધનીય છે ક. રિતેશ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિવંગત વિલાસરાવ દેશમુખના પુત્ર છે. તેમના મોટા ભાઈ અમિત MVA સરકારમાં મંત્રી હતા અને તેમના નાના ભાઈ પણ લાતુર ગ્રામીણ મતવિસ્તારના ધારાસભ્ય છે.
- Advertisement -